સૈનિકોના શબ લઇ જવામાં પાકિસ્તાની સેનાનો ભેદભાવ

માત્ર પંજાબી મુસ્લિમ સૈનિકોના મૃતદેહ લઇ ગયા : સફેદ ઝંડા દેખાડવા મજબૂર થવું પડયું
નવી દિલ્હી, તા. 14 : પાકિસ્તાન કેવો ભેદભાવ ધરાવતો દેશ છે તે તેની વધુ એક હરકતથી સપાટી પર આવ્યું છે. એક સમાચાર એજન્સીએ જારી કરેલા વીડિયોમાં પાકિસ્તાન પોતાની જ સેનાના જવાનોને લઈને ભેદભાવ કરી રહ્યાનું નજરે પડી રહ્યું છે. આ વીડિયોમાં પાકિસ્તાની સૈનિકો સફેદ ઝંડો દર્શાવીને ભારતીય જવાબી કાર્યવાહીમાં માર્યા ગયેલા તેના સૈનિકોના મૃતદેહ લઈ જતા દેખાય છે, પરંતુ પાકિસ્તાને પંજાબી મુસ્લિમ જવાનોના મૃતદેહો તો લઈ લીધા હતા, જ્યારે પીઓકે કે અન્ય વિસ્તારના નિવાસી જવાનોના મૃતદેહો લીધા ન હતા. ભારત વિરુદ્ધ દુનિયાભરમાં જૂઠ અને ભ્રમનું વાતાવરણ ફેલાવવાની કોશિશ કરતું પાકિસ્તાન જાતે જ પોતાના સૈનિકોના મૃત્યુ બાદ કેવા ભેદભાવ કરે છે તે હરકત કેમેરામાં કેદ થઈ હતી.
વીતેલા દિવસો દરમ્યાન પાકિસ્તાનના વારંવારના યુદ્ધવિરામ ભંગ બાદ ભારત તરફથી અપાયેલા જડબાંતોડ જવાબમાં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)ના હાજીપુર સેક્ટરમાં બે પાકિસ્તાની સૈનિક ઢેર કર્યા હતા.
આ જવાનો માર્યા ગયા બાદ પાકિસ્તાની જવાનોએ ગોળીબારની છાયામાં તેમના મૃતદેહો લઈ જવાની નાકામ કોશિશ કરી હતી, પરંતુ ભારતીય જવાનોના સામા ગોળીબારને કારણે તેમનો પ્રયાસ ફાવ્યો ન હતો. આખરે તેઓએ સફેદ ઝંડો લહેરાવવાની ફરજ પડી હતી.
વીડિયોમાં દેખાય છે તે મુજબ પાકિસ્તાનના જવાનો સફેદ ઝંડો દેખાડતા આવે છે અને ત્યાં પડેલા બે પાકિસ્તાની જવાનના મૃતદેહ ઉઠાવીને પરત પાકિસ્તાની સીમારેખામાં ચાલ્યા જાય છે.
ઉલ્લેખનીય છે કે, જે જવાનોના મૃતદેહને પાકિસ્તાન લઈ ગયું તે તમામ પંજાબી મુસલમાન હતા, પરંતુ ત્યાં બીજા હિસ્સાઓમાં પડેલા જવાનોના મૃતદેહને છોડી દેવાયા હતા.
યુદ્ધ દરમ્યાન સફેદ ઝંડાનો પ્રયોગ શાંતિનું પ્રતીક માનવામાં આવે છે અને યુદ્ધ ક્ષેત્ર કે કેઈ પણ જગ્યાએ સફેદ ઝંડો દેખાડવાનો અર્થ એ માનવામાં આવે છે કે એ દરમ્યાન કોઈ હુમલો નહીં કરે કે ગોળીબાર કરશે નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer