મુંબઈમાં કૉંગ્રેસના મોવડીઓને જીતી શકે એવા ઉમેદવારો શોધવામાં મુશ્કેલી નડી રહી છે

કેતન જાની તરફથી
મુંબઈ, તા. 14 : રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસમાંથી સત્તાધારી ભાજપ અને શિવસેનામાં નેતાઓની મોટા પ્રમાણમાં હિજરત થઈ રહી છે. તેની પરોક્ષ અસર કૉંગ્રેસના મુંબઈ એક્મ ઉપર પણ જોવા મળી રહી છે. કૉંગ્રેસના મોવડીઓ જીતી શકે એવા ઉમેદવારો શોધવા જહેમત ઊઠાવી રહ્યા છે.
વર્ષ 2014માં મુંબઈમાં કૉંગ્રેસના પાંચ વિધાનસભ્યો મહંમદ આરીફ (નસીમ) ખાન, અમીન પટેલ, અસ્લમ શેખ, વર્ષા ગાયકવાડ અને કાલિદાસ કોળંબકર વિજયી નીવડયા હતા જ્યારે સમાજવાદી પાર્ટીના અબુ આઝમી અને એમઆઈએમના વારિસ પઠાણ ચૂંટણી  જીત્યા હતા. મુંબઈની કુલ 36માંથી 29 બેઠકો ઉપર ભાજપ અને શિવસેનાનો વિજય થયો હતો.
આ વખતે કૉંગ્રેસને વિજયી નીવડે એવા ઉમેદવારો શોધવામાં મુશ્કેલી નડી રહી છે. કોલાબામાંથી વિધાનપરિષદના સભ્ય અને કામદાર નેતા ભાઈ જગતાપ ચૂંટણી લડવાના છે એ લગભગ નિશ્ચિત છે. અંધેરી (પૂર્વ)માંથી ત્રણ વખત ચૂંટાયેલા અને પ્રધાનપદુ ભોગવી ચૂકેલા સુરેશ શેટ્ટીને બાંદરા (પૂર્વ)માંથી ચૂંટણી લડવી છે. ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકી અગાઉ બાંદરા (પશ્ચિમ)માંથી વિધાનસભામાં ચૂંટાયા હતા. જોકે, હવે તેમણે અને તેમના પુત્ર ઝિશાનને બાંદરા (પૂર્વ)માંથી ચૂંટણી લડવી છે. લોકસભાની ગત ચૂંટણીમાં બાંદરા (પૂર્વ)માં કૉંગ્રેસને લગભગ 1500 મતોની સરસાઈ મળી હતી.
કૉંગ્રેસમાં વરસોવાની બેઠક માટે ભારે ખેંચતાણ છે. આ બેઠક માટે ભૂતપૂર્વ વિધાનસભ્ય બલદેવ ખોસા, તેમના પુત્ર સિદ્ધાર્થ, બીલ્ડરમાંથી રાજકારણી બનેલા રઇસ લશ્કરિયા, ભૂતપૂર્વ નગરસેવક મોહસીન હૈદર અને સુશિક્ષિત ભાવિકા જૈન સહિત લગભગ 15 ટિકિટ વાંચ્છુ છે.
કૉંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્યો- પાર્લાના કૃષ્ણા હેગડે, દીંડોશીના રાજહંસ સિંહ અને કાંદિવલી (પૂર્વ)ના રમેશસિંહ ઠાકુર ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. કાલીનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને મુંબઈ એકમના ભૂતપૂર્વ વડા કૃપાશંકર સિંહે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. પક્ષની ટિકિટ ઉપર નાયગાવમાંથી વર્ષ 2014માં વિધાનસભામાં ચૂંટાયેલા કાલિદાસ કોળંબકર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer