શૅરબજારની ટૂંકી તેજીમાં સાવધાની આવશ્યક

માળખાકીય, કૉમોડિટી અને બૅન્કિંગ ખરીદી ટાળવી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
`જન્મભૂમિ પ્રવાસી'    મુંબઈ, શનિવાર
સ્થાનિક શૅરબજારમાં અગાઉની ઓવરસોલ્ડ પોઝિશન પછી આવેલા નોંધપાત્ર સુધારાથી અઠવાડિક ધોરણે નિફટી 1.18 ટકા વધીને 11075 બંધ રહ્યો હતો. ચીન-અમેરિકાની ટ્રેડવોર બાબતે સકારાત્મક અહેવાલ, સોનાના ભાવમાં ટોચથી આવેલો 6 ટકાનો ઘટાડો (કરેકશન) અને ઘટેલા વ્યાજદર સાથે નીચા મથાળાની ખરીદીથી આ સુધારો જોવાયો હોવાનું જણાય છે. જોકે, બજારના આ `યુ' ટર્ન છતાં નિફટી માટે 11150 અને 11200 મુખ્ય પ્રતિકાર ઝોન ચાલુ રહે છે, એમ સેમકો સિક્યોરિટીઝના વડા જિમિત મોદીએ સ્પષ્ટ જણાવ્યું છે.
કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાને ઉગારવા લીધેલા કેટલાક નિર્ણયો છતાં બજારના રોકાણકાર અને અન્ય હિસ્સેદારો ઉત્સાહિત નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોર્પોરેટ ક્ષેત્રની અપૂરતી નફાવૃદ્ધિ અને સ્થાનિક મેક્રો ડેટા નબળા હોવાથી શૅરબજારમાં ઉછાળે વેચવાલીનું જોર જોવાય છે. જાણકારો માને છે કે શૅરબજાર હવે આગામી દિવાળી-લગનસરાની મોસમી માગ કેટલી વધે છે તેની પ્રતીક્ષા કરી રહ્યું છે. જેથી હજુ અૉક્ટોબર મધ્ય સુધી બજારના મોટા હિસ્સેદારો સાઈડ વેવમાં રેન્જબાઉન્ડ રીતે બજારને ચલાવશે એમ જણાય છે. જોકે, મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી ઈન્ટેકટ રહેવાથી બજારે રાહતનો શ્વાસ લેવાનું કારણ બને છે. રૂપિયામાં થોડો સુધારો પણ પ્રોત્સાહક ગણાય.
આમ છતાં ગત અઠવાડિયે મારુતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે `સામાન્ય નાગરિકને હવે કાર રાખવી પોષણક્ષમ રહી નથી.' જ્યારે તાતા મોટર્સનું વૈશ્વિક વેચાણ 32 ટકા ઘટયું છે. જેથી કાર ઉદ્યોગ માટે સ્થિતિ બગડેલી છે, પરંતુ આ ક્ષેત્રના મુખ્ય શૅરો અગાઉથી જ તળિયે ગયા હોવાથી ઉપરોક્ત અહેવાલ છતાં ભાવ વધુ તૂટયા નથી, પરંતુ નવી ખરીદીમાં સાવધાની રાખવી. અૉટો ક્ષેત્રનું વેચાણ સુધર્યા પછી રોકાણ વધારવું. આગામી સમય જાહેર-ખાનગી બૅન્ક, નાણાસેવા, માળખાકીય અને કૉમોડિટીના શૅરોમાં નવી ખરીદી ટાળવી હિતાવહ રહેશે. ઉપરોક્ત ક્ષેત્રના શૅરોમાં પ્રત્યેક ઉછાળે વેચવાલી વધવાના પ્રબળ સંકેત છે. આમ સમગ્ર રીતે થોડા દિવસની તેજીથી ભરમાવું હાનિકારક રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer