`બૂરે કામ કા બૂરા નતીજા, ક્યું ભાઈ ચાચા, હા ભતીજા''

ફડણવીસની મહાજનાદેશ યાત્રા બારામતીમાં, પવારને માર્યો ટોણો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : અમે વડા પ્રધાન મોદીના સમર્થકો છીએ. અમારો અવાજ કોઈ બંધ કરી શકે નહીં. બુરે કામ કા બૂરા નતીજા, ક્યું ભાઈ ચાચા, હા ભતીજા એવા શબ્દોમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવારની ટીકા કરી છે.
ફડણવીસે આજે મહાજનાદેશ યાત્રાના ભાગરૂપે પુણે જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. બારામતીમાં સંબોધન કરતાં ફડણવીસે જણાવ્યું હતું કે સભા માટેના લાઉડ સ્પીકર કાઢી નાખવા માટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને મનસેના હોદ્દેદારોએ ફરિયાદ નોંધાવી હતી. આ સભાની થનારી અસરથી રાષ્ટ્રવાદીમાં ભય છે. સાઉન્ડ સિસ્ટમ કાઢી લેવાનું કહેવાયું હતું, પણ હું મારી સાઉન્ડ સિસ્ટમ સાથે રાખીને ફરું છું અને તેના વડે અમારો અવાજ જનતા સુધી પહોંચાડું છું. હવે છત્રપતિ શિવાજીનું ખાનદાન પણ અમારી સાથે છે. અહીં થયેલું સ્વાગત બતાવે છે કે બારામતીમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. હર્ષવર્ધન પાટીલના ભાજપમાં પ્રવેશ પછી રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસની સ્થિતિ એવી થઈ છે કે કોઈ પણ તેઓની સાથે જવા તૈયાર નથી. ભાજપે આદિવાસીઓને અપાતી બધી રાહતો હવે ધનગરોને આપવાનું નક્કી ર્ક્યું છે. ગત પાંચ વર્ષમાં ખેડૂતોને અમે 50,000 કરોડ રૂપિયાની મદદ કરી છે. 
અજિતદાદાની સરકાર સમયે ખેડૂતોન 12,000 કરોડ રૂપિયા મળતા હતા. અમારી સરકારે ખેડૂતોને વરસે 10,000 કરોડ રૂપિયા આપ્યા છે, એમ ફડણવીસે ઉમેર્યું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer