ઉદયનરાજે ભોસલે ભાજપમાં જોડાયા

મોદી સરકાર રજવાડાંની જમીન વેચવાની પરવાનગીની લાલચ રાજવીઓને આપે છે : રાષ્ટ્રવાદી 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : રાષ્ટ્રવાદીના નેતા અને છત્રપતિ શિવાજીના વંશજ ઉદયરાજે ભોસલે આજે ભાજપમાં સામેલ થયા છે. ત્યારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કેન્દ્રની મોદી સરકાર અગાઉના રજવાડાંઓને જમીન વેચવાની પરવાનગી આપવાનું વચન આપીને રાજવીઓને લલચાવી રહ્યા છે.
ઉદયનરાજે ભોસલેએ લોકસભામાંથી રાજીનામું આપ્યું હતું અને પછી ભાજપના પ્રમુખ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે શાહે જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજીના વંશજ ઉદયનરાજે ભોસલે ભાજપમાં સામેલ થતાં અમને વિધાનસભાની ચૂંટણીમાં લાભ થશે એમ શાહે ઉમેર્યું હતું.
ઉદયનરાજે હવે સાતારામાંથી ભાજપની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણી લડશે. કૉંગ્રેસ તેમની સામે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને ઉતારે એવી ચર્ચા શરૂ થઈ છે.
રાષ્ટ્રવાદીના પ્રવક્તા નવાબ મલિકે આજે જણાવ્યું હતું કે આગામી સમયમાં લોકસભાની સાતારાની બેઠકની પેટાચૂંટણીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો વિજય થશે. ભોસલે ભાજપમાં જોડાય તે જોવા મોદીસાહેબે કેટલાક લોકોને તહેનાત કર્યા હતા. વર્તમાન કાયદા અનુસાર અગાઉના રજવાડાંની જમીન વેચી શકાતી નથી અથવા ગીરવે મૂકી શકાતી નથી. તે જમીન વેચવાની પરવાનગી આપશું એમ કહીને ભાજપ સરકાર રાજવીઓને લલચાવી રહી છે. આ જમીન વેચવાની પરવાનગી આપવાનો અમે વિરોધ કરશું. શિવાજી મહારાજના રાજ્યની જમીન યથાવત્ રહેવી જોઈએ. બ્રિટિશરોએ વર્ષ 1818માં ત્રીજી એંગ્લો-મરાઠા યુદ્ધ પછી 1849ના તેને પોતાના રાજ્યમાં ભેળવી દીધું હતું. જમીન વેચવાની પરવાનગી મળે એ માટે ભોસલે ભાજપમાં સામેલ થયા છે. સાતારાવાસીઓ જાણે છે કે ભોસલેની કાર્યપદ્ધતિ કેવી છે. શરદ પવાર તેમને વારંવાર તક આપી હોવા છતાં તેમણે પક્ષત્યાગ કર્યો છે એમ મલિકે ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer