સાઉદી તેલ કંપની પર ડ્રોન હુમલો

રિયાદ, તા.14 :  દુનિયાની સૌથી અમીર તેલ કંપનીમાં સમાવિષ્ટ સાઉદી અરબની અરામકોના બે એકમ (ફેસેલિટી સેન્ટરો)માં આજે પરોઢિયે આગ લાગી હતી. સાઉદી અરબના ગૃહમંત્રીએ કહ્યું કે અરામકોના ફેસેલિટી સેન્ટર પર ડ્રોન હુમલો થયો હતો અને જેને પગલે આગ લાગી હતી.
મંત્રાલય તરફથી જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પરોઢિયે ચાર વાગ્યે ઔદ્યોગિક સુરક્ષાદળોની ટીમે ફાયરિંગનો જવાબ આપ્યો હતો. અબકૈક અને ખુરાઈસ સ્થિત ફેસિલિટી સેન્ટર્સ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. બંને મામલામાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. મંત્રાલયે કહ્યું કે ડ્રોન હુમલાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. હુમલા પાછળ કોનો હાથ છે તેની શોધખોળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ અરામકોના નેચરલ ગેસના ફેસિલિટી સેન્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તે હુમલાની જવાબદારી યમનના હથિયારધારી હૂથી વિદ્રોહી સંગઠને લીધી હતી.
ઉલ્લેખનીય છે કે પાછલા થોડા મહિનાઓમાં હૂથી સભ્યોએ સીમા પાર મિસાઈલો વડે સાઉદી અરબના એર બેઝ પર પણ હુમલાઓ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનાથી જ ખાડી ક્ષેત્રમાં તણાવની સ્થિતિ છે. જૂનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવાઈ હુમલા સુદ્ધાંનું એલાન કરી દીધું હતું પરંતુ બાદમાં તેઓએ પોતાનો નિર્ણય પલટી નાખ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer