બેસ્ટ સ્કૂલ બસના પાર્કિંગ ચાર્જમાં ઘટાડો કરે એવી શક્યતા

મુંબઈ, તા. 14 : બેસ્ટના તમામ બસ ડેપોમાં સ્કૂલ બસોનો પાર્કિંગ ચાર્જ ઓછો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બેસ્ટના પ્રસ્તાવ મુજબ હાલના માસિક પાર્કિંગ ચાર્જ 3700 રૂપિયાથી ઘટાડી પ્રતિ વાહન બે હજાર રૂપિયા કરવાનો છે.
બેસ્ટ ડેપો અને બસ સ્ટોપ ખાતે ખાનગી વાહનો માટેના પે ઍન્ડ પાર્કની નવેસરથી મુકાયેલી સ્કીમને બેસ્ટ દ્વારા સ્વીકારવામાં આવી છે.
રસ્તાઓ પર પાર્ક થતાં વાહનોની સંખ્યા ઘટાડવાના ઉદ્દેશથી બેસ્ટ દ્વારા એના તમામ ડેપોમાં ખાનગી વાહનોને પાર્કિંગની સુવિધા આપવાનું નક્કી કર્યું હતું. આને કારણે ખોટ કરતી બેસ્ટને આવકનો એક નવો સ્રોત શરૂ થઈ શકે છે.
પાર્કિંગના નવા દરો મુંબઈ મહાનગરપાલિકાની નવી પાર્કિંગ પોલિસીના ધોરણે નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સ્કૂલ બસ માટે એક મહિનાના પાર્કિંગ ચાર્જ પેટે 3700 રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા. જોકે સ્કૂલ બસ ઓનર ઍસોસિયેશને બેસ્ટ પ્રશાસન સાથે થયેલી મિટિંગમાં સ્કૂલ બસ માટેના પાર્કિંગ ચાર્જ ઘટાડવાનો નિર્ણય પ્રશાસને લીધો હતો.
હવે બેસ્ટ પ્રશાસને સ્કૂલ બસના પાર્કિંગ ચાર્જ માટે બે હજાર રૂપિયા લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવને બેસ્ટ કમિટીની સોમવારે મળનારી બેઠકમાં મંજૂરી મળે એવી શક્યતા છે.
બેસ્ટ ડેપો અને બસ સ્ટોપ પર ખાનગી વાહનોને પાર્કિંગની જગ્યા આપી બેસ્ટ મહિને 1134065 રૂપિયાની આવક રળી રહી છે. લગભગ 560 ખાનગી વાહનો બેસ્ટ ડેપોમાં પાર્ક થાય છે. જ્યારે 32 સ્કૂલોની બસ પણ બેસ્ટના ડેપોમાં પાર્ક કરાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer