જાહેર શૌચાલયોમાં બને છે ડ્રગ્સની પડીકીઓ

મુંબઈ, તા. 14 : નશીલી દવાનો ધંધો કરનારા તેમના ગ્રાહકોને પડીકીમાં ડ્રગ્સ વેચતા હોય છે પણ આ પડીકીઓ ક્યાં બને છે એનો ખુલાસો તાજેતરમાં થયો છે. એક સિનિયર અૉફિસરે જણાવ્યું કે રિટેલર અને પેડલર્સ સામાન્યપણે આ પડીકીઓ જાહેર શૌચાલયોમાં બનાવે છે. એનું કારણ છે એનડીપીસી ઍકટના અમુક સખત નિયમો.
આ અધિકારીનું કહેવું છે કે, જે સ્થળે અમે છાપો મારીએ અને ડ્રગ્સ જપ્ત કરીએ એ જગ્યા મોટાભાગે સીલ કરીએ છીએ. ડ્રગ્સની સપ્લાય ભલે ઉપલા સ્તરે થતી હોય, પરંતુ પેડલર્સ સુધી એ ડ્રગ્સ રિટેલર દ્વારા પહોંચે છે. પેડલર્સ 1થી 3 ગ્રામની પડીકીઓ બનાવે છે અને એ હજારથી ત્રણ હજાર રૂપિયામાં વેચે છે. આ પડીકીઓ કોઈ જાહેર શૌચાલય કે રેલવે ટ્રેક પર બનાવવામાં આવે છે. આનું કારણ એ કે જો આરોપી ઘરમાં ડ્રગ્સની પડીકી બનાવતો પકડાય તો એનું ઘર સીલ થઈ શકે છે. પોલીસ સરકારી સંપત્તિ કે સાર્વજનિક શૌચાલય સીલ કરી શકતી નથી.
મંગળવારે મહારાષ્ટ્ર એટીએસે પનવેલમાં એક ફૅક્ટરીમાંથી બાવન કરોડ રૂપિયાનું 129 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ફૅક્ટરીને તુરંત સીલ કરાઈ હતી. એન્ટી નાર્કોટિક્સ સેલ સાથે સંકળાયેલા એક અધિકારીના કહેવા મુજબ, અમે ઘર સીલ કરવા અગાઉ અનેક બાબતો અંગે વિચારણા કરીએ છીએ. જેમ કે જે ઘરમાં છાપો માર્યો હોય ત્યાં આરોપીનો પરિવાર પણ રહે છે કે કેમ? જો રહેતો હોય તો તેમની ઘરની વ્યકિતએ ઘરમાં ડ્રગ્સ સંતાડીને રાખી છે એની જાણ છે કે નહીં. જો તેમને ખબર ન હોય તો અમે માનવતાના ધોરણે વિચારીએ કે ઘર સીલ ન થાય. ઘર સીલ થાય તો પરિવારજનો રસ્તા પર આવી શકે છે.
પનવેલ ડ્રગ્સકાંડમાં મહારાષ્ટ્ર એટીએસએ જે ફૅક્ટરી સીલ કરી એને 45 વર્ષીય જિતેન્દ્ર પરમારે ભાડે લીધી હતી. એટીએસના સૂત્ર મુજબ એ બે વરસથી એમડી ડ્રગ બનાવી રહ્યો હતો અને દર ત્રણ-ચાર મહિને જગ્યા બદલતો રહેતો. આ અગાઉ એણે કર્જત અને ખપોલીમાં ફૅક્ટરી શરૂ કરી હતી. પરમાર મુંબઈનો સૌથી મોટો ડ્રગ સપ્લાયર હોવાનું માનવામાં આવે છે. એણે જણાવ્યું કે એક સમયે અનેક કિલો ડ્રગ્સ બનાવી ડીલર્સ, રિટેલર્સ દ્વારા મુંબઈ, નવી મુંબઈ અને થાણેનાં બજારમાં વેચતો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer