આદિત્ય ઠાકરેને ચોથીવાર છેતરવાનો પ્રયાસ કરનાર હિંમતવાન ઠગ પકડાયો

મુંબઈ, તા. 14: આદિત્ય ઠાકરેના સ્ટાફને ત્રણવાર ચુનો લગાવનારો 19 વર્ષનો એક ઠગ આવો જ પ્રયાસ ચોથીવાર કરવા જતાં પકડાઈ ગયો હતો.
ડિલિવરી એજન્ટ હોવાનો દાવો કરીને આદિત્ય ઠાકરે માટે પાર્સલ લાવ્યો હોવાનું કહીને ત્રણ વાર માતોશ્રીના સ્ટાફને છેતરનારો 19 વર્ષનો ધીરજ નામદેવ મોરે ચોથી વાર આવો પ્રયાસ કરવા જતાં ઝડપાઈ ગયો હતો.
અન્ય એક રાજકારણીને છેતરવાનો પ્રયાસ કરતાં મોરે પકડાઈ ગયો હતો અને ઠાકરેને ચોથીવાર ઠગવાનો પ્રયાસ કર્યો તે પહેલાં તે જામીન પર છૂટયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, પરેલ રહેતો મોરે ગુરુવારે બપોરે માતોશ્રી ખાતે આવ્યો હતો. અગ્રગણ્ય ઈ-કૉમર્સ પ્લેટફોર્મનો ડિલિવરી એજન્ટ હોવાનું જણાવ્યું હતું. તેણે સિક્યોરિટી ગાર્ડને જણાવ્યું હતું કે, આદિત્ય ઠાકરેએ કૉમ્પ્યુટર એસેસરીઝ મગાવી હતી તેની ડિલિવરી કરવા પોતે આવ્યો છે.
જોકે, અગાઉથી વિપરીત આદિત્ય ઠાકરે આ વેળા માતોશ્રીમાં જ હતા. એક ગાર્ડે આદિત્ય ઠાકરેને આ બાબતમાં પૂછ્યું ત્યારે ઠાકરેએ કહ્યું કે તેમણે આવી કોઈ ચીજનો અૉર્ડર આપ્યો નથી. ગાર્ડને શંકા જતાં તેણે મોરેને અટકાયતમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ આ ઠગે માતોશ્રીના સ્ટાફને ત્રણવાર છેતર્યો હતો. પ્રથમવાર તેણે હેડફોનની જોડીની ડિલિવરી કરી હતી જેનો અૉર્ડર આદિત્ય ઠાકરેએ કર્યો ન હતો. તેણે આ હેડ ફોન જેની કિંમત માંડ રૂપિયા 500 હતી તેના 2500 રૂપિયા પડાવ્યા હતા. બીજીવાર રૂપિયા 490ની ફિઝિક્સની બુકના 3000 રૂપિયા લીધા હતા. ત્રીજીવાર કૉમ્પ્યુટર માઉસના રૂપિયા 3000 લીધા હતા. આ ત્રણેવાર આદિત્ય ઠાકરે ઘરે નહોતા અને સ્ટાફે તેની ચુકવણી કરી દીધી હતી.
માતોશ્રીના ગાર્ડે જણાવ્યું હતું કે, તેમને અગાઉ ક્યારે પણ શંકા ગઈ નહોતી કારણ કે તેમણે પેકેટ ખોલ્યાં નહોતાં અને ઠાકરે પણ ત્યારે હાજર નહોતા.
પોલીસે જણાવ્યું હતું કે, મોરેએ આવી જ રીતે અન્યોને પણ છેતર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer