ચંદ્રના ઉંબરે પહોંચી વિક્રમ સાથેનો સંપર્ક તૂટયો

ચંદ્રના ઉંબરે પહોંચી વિક્રમ સાથેનો સંપર્ક તૂટયો
નવી દિલ્હી, તા. 7 : ભારતનું મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન શુક્રવારે મોડી રાત્રે ચંદ્રની સપાટીથી માત્ર બે કિલોમીટરની દૂરીએ પહોંચીને ખોવાઈ ગયું હતું. ચંદ્રની સપાટી તરફ આગળ વધી રહેલા લેન્ડર વિક્રમનો  2.1 કિમીની દૂરી બાકી હતી ત્યારે સંપર્ક તૂટી ગયો હતો. આ અગાઉની તમામ પ્રક્રિયા એકદમ યોગ્ય રહી હતી. પરંતુ અનહોનીના કારણે અચાનક ઈસરોના કન્ટ્રોલ રૂમમાં સન્નાટો છવાયો હતો. ટીવી ઉપર મિટ માંડીને બેસેલા ભારતીયો પણ ઉદાસ થયા હતા. આ ઘટના લેન્ડર વિક્રમની સોફ્ટ લેન્ડિંગની સૌથી મુશ્કેલ 15 મિનિટ દરમિયાન બની હતી.હવે જો વિક્રમ અને પ્રજ્ઞાન સાથે સંપર્ક થશે તો તે એક ચમત્કાર બની રહેશે. આ દરમિયાન ઉદાસ બનેલા ઈસરોના વૈજ્ઞાનિકો અને ચીફ સિવનનો જુસ્સો વધારવાનો પ્રયાસ વડાપ્રધાન મોદીએ કર્યો હતો અને તેઓને સાહસિક બનવા કહ્યું હતું. 
શુક્રવારે રાત્રે દોઢ વાગ્યે વિક્રાની સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા સામાન્ય રફ્તારથી આગળ વધી રહી હતી અને લેન્ડર ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર હતું ત્યારે અચાનક ઈસરોના કન્ટ્રોલ રૂમમાં સન્નાટો પ્રસરી ગયો હતો.  વૈજ્ઞાનિકોના ચહેરા ઉપર ચિંતા જોવા મળી હતી. હકીકતમાં ક્રીન ઉપરના આંકડા થંભી થયા હતા.  ત્યારે ચીફ સિવન મોદી પાસે ગયા અને તેમને માહિતી આપી હતી. ત્યારબાદ મોદી બહાર નીકળી ગયા હતા. થોડા સમય બાદ ઈસરોએ લાઈવ સ્ટ્રીમિંગ બંધ કર્યું હતું. જેનાથી બેચેનીમાં વધારો થયો હતો. 
નિરાશાની પળોમાં સિવન સામે આવ્યા હતા અને કહ્યું હતું કે, વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. વિક્રમ અને પ્રજ્ઞાન ખોવાઈ ગયા છે. સિવને કહ્યું હતું કે, વિક્રમ લેન્ડરનું ચંદ્ર ઉપર ઉતરવાનું મિશન સામાન્ય હતું અને ચંદ્રથી 2.1 કિમીની દુરી હતી ત્યારે સંપર્ક તૂટી ગયો હતો. આ અંગે હવે આંકડાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયા બાદ વૈજ્ઞાનિકોમાં તનાવ જોવા મળ્યો હતો. આ મોકે વડાપ્રધાન મોદીએ જુસ્સો વધાર્યો હતો અને ઈસરો ચેરમેનને સાંત્વના આપતા સાહસિક બનવા કહ્યું હતું. ઈસરોએ કહ્યું હતું કે, આંકડાના વિશ્લેષણ બાદ વિક્રમ સાથે સંપર્ક તૂટવાનું કારણ જાણવા મળશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer