પીએમના સંબોધન બાદ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા ઈસરો વડા

પીએમના સંબોધન બાદ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા ઈસરો વડા
ભાવુક મોદીએ સિવનને ગળે લગાડી પીઠ થપથપાવી હિંમત આપી

બેંગ્લોર, તા. 7 : મહત્ત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-ટુને છેલ્લી ઘડીએ મળી અસફળતાએ અવકાશ સંશોધન સંસ્થા ઈસરોના વડા અને વડાપ્રધાન બંનેને ભાવુક બનાવ્યા હતા. ઈસરો કંટ્રોલ રૂમમાં વૈજ્ઞાનિકોને કરેલાં સંબોધન બાદ પીએમ નરેન્દ્ર મોદી બહાર નીકળ્યા અને ગળગળા બનેલા ઈસરો વડા કે. સિવન ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા હતા. પીએમે ઈસરો વડાને ગળે લગાડીને હિંમત આપી હતી. મોદીએ સિવનની પીઠ થપથપાવી હતી, તેમને ગળે લગાડયા હતા અને ગાડીમાં બેસી ગયા હતા.
વડાપ્રધાન મોદીને તેમની ગાડી સુધી છોડવા પહોંચેલા ઈસરો વડા પોતાને સંભાળી શક્યા ન હતા. તેઓ ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા હતા અને પીએમે તેમને ગળે લગાડીને તેમની પીઠ થપથપાવી હતી. મોદી ગાડીમાં બેસી ગયા હતા અને સિવને તેમને હાથ હલાવી અલવિદા કહ્યું હતું. જો કે, આ દરમ્યાન સિવનની આંખો અશ્રુસભર અને ચહેરા પર નિરાશા સાફ દેખાતી હતી. ખુદ પીએમ પણ આ પ્રસંગે ભાવુક નજરે પડતા હતા અને ભાવનાઓથી ઝુઝવાનો દ્વંદ્વ પીએમના ચહેરા પર પણ સાફ દેખાતો હતો.
પીએમે ઈસરો વૈજ્ઞાનિકોને હિંમત આપતાં કહ્યું હતું કે, અંતિમ પરિણામ ભલે આપણને અનુકૂળ ન હોય, પરંતુ તમારી મહેનત, સામર્થ્ય અને સિદ્ધિ પર આખા દેશને ગર્વ છે. પીએમે એમ પણ કહ્યું હતું કે, હું તમને ઉપદેશ આપવા નથી આવ્યો. સવાર-સવારમાં તમારાં દર્શન તમારા પાસેથી પ્રેરણા લેવા કર્યાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer