મદ્રાસ હાઈ કોર્ટનાં ચીફ જસ્ટિસનું બદલીના વિરોધમાં રાજીનામું

મદ્રાસ હાઈ કોર્ટનાં ચીફ જસ્ટિસનું બદલીના વિરોધમાં રાજીનામું
મેઘાલય બદલી થતાં જસ્ટિસ વિજયા તાહિલરમાની નારાજ

નવી દિલ્હી, તા. 7 : મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ વિજયા કે તાહિલરમાનીએ સુપ્રીમ કોર્ટ કોલેજીયમના 
નિર્ણય ઉપર નારાજગી વ્યક્ત કરી છે. જેમાં  તેઓની મદ્રાસ હાઈકોર્ટમાંથી મેઘાલય હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી. કોલેજીયમ દ્વારા લેવાયેલા બદલીના નિર્ણયના વિરોધમાં જસ્ટિસ વિજયાએ રાજીનામું આપ્યું છે. 
જસ્ટિસ વિજયાએ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દને મોકલ્યું છે અને રાજીનામાની એક કોપી મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈને પણ મોકલાવી છે. દેશની 25 હાઈકોર્ટમાં જસ્ટિસ વિજયા તાલિહરમાની અને જસ્ટિસ ગીતા મિત્તલ એકમાત્ર ચીફ જસ્ટિસ છે. તાહિલરમાની 2 ઓક્ટોબર 2020ના રોજ નિવૃત્ત થવાના હતા. એટલે કે તેમણે નિવૃત્તિના એક વર્ષ અગાઉ જ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. 28 ઓગષ્ટના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતાની કોલેજીયમમાં જસ્ટિસ એસએ બોબડે, એનવી રમના, અરુણ મિશ્રા અને આરએફ નરીમન સામેલ હતા. તેઓએ મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ એકે મિત્તલની મદ્રાસ હાઈકોર્ટમાં બદલી કરી હતી. જ્યારે તાહિલરમાનીની મેઘાલય બદલી થઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer