વડા પ્રધાન મોદીએ વિલે પાર્લેમાં કર્યા ગણેશ દર્શન

વડા પ્રધાન મોદીએ વિલે પાર્લેમાં કર્યા ગણેશ દર્શન
મુંબઈ, તા. 7 : શનિવારે મુંબઈની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને વિલે પાર્લેના લોકમાન્ય સેવા સંઘમાં શતક મહોત્સવી ગણેશોત્સવમાં ગણરાયાના દર્શને પહોંચ્યા હતા. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વિલે પાર્લેના વિધાનસભ્ય પરાગ અળવણીની સાથે સેવા સંઘમાં ગણપતિના દર્શન કર્યા બાદ વિલે પાર્લેની સાંસ્કૃતિક સમૃદ્ધી અને સેવા સંઘની પ્રવૃતિઓ સાથે દિવંગત સાહિત્યકાર પુ.લ. દેશપાંડેને તેમની જન્મ શતાબ્દિના અવસરે યાદ કર્યાં હતાં. સંસ્થામાં મુકાયેલી લોકમાન્ય ટિળક અને પુ.લ. દેશપાંડેની અર્ધ પ્રતિમાને હાર પહેરાવીને ત્યાં સભાગૃહમાં હાજર સેવા સંઘના કર્મચારીઓને પ્રશ્ન પૂછયો હતો કે આ સભાગૃહમાં તમે કેટલા કલાક હસો છો? પુ. લ. દેશપાંડેનું નામ આવે અને હસવું ન આવે તો કેમ ચાલે? આવા સંવાદથી તેમણે પુ. લ. દેશપાંડેને યાદ કર્યાં હતાં.
પરાગ અળવણીએ જણાવ્યું હતું કે લોકમાન્ય સેવા સંઘમાં આ વર્ષે ગણપતિ શતાબ્દિ મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. યોગાનુયોગ આ પુ. લ. દેશપાંડેની જન્મ શતાબ્દિ વર્ષ છે અને પુ. લ. દેશપાંડે આ સંસ્થા સાથે પણ આજીવન સંકળાયેલા રહ્યાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer