વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોના ત્રણ નવા કોરિડોરનું ભૂમિપૂજન કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોના ત્રણ નવા કોરિડોરનું ભૂમિપૂજન કર્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેકસમાં મેટ્રોના ત્રણ માર્ગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ નવા મેટ્રો રૂટને લીધે મેટ્રોની જાળ 42 કિલોમીટર વિસ્તૃત થશે. આમાં ગાયમુખથી શિવાજી ચોક (મીરા રોડનો) મેટ્રો રૂટ નંબર દસ (9.2 કિલોમીટર), વડાલાથી છત્રપતિ શિવાજી માર્ગ ટર્મિનસના 11 નંબરનો રૂટ (12.7 કિલોમીટર) તથા કલ્યાણથી તળોજાના મેટ્રો 12 રૂટ (20.7 કિલોમીટર)નો સમાવેશ થાય છે.
વડા પ્રધાન મોદીએ મેટ્રો ભવનનું ભૂમિપૂજન પણ કર્યું. આ 32 માળની ઈમારત છે અને તે કુલ 340 કિલોમીટર અંતરના 14 રૂટનું નિયંત્રણ કરશે. વડા પ્રધાને કાંદિવલી (પૂર્વ)ના બાણડોંગરી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. વડા પ્રધાને `મેઇક ઇન ઇન્ડિયા' અંતર્ગત પહેલા મેટ્રો ડબાનું ઉદ્ઘાટન કર્યું. વડા પ્રધાને મહામુંબઈ મેટ્રો માટે બ્રોડ વિઝન ડૉકયુમેન્ટ પ્રકાશનનું વિમોચન કર્યું હતું.
સરકારે મુંબઈ અને આસપાસના પરિસરના પ્રવાસીઓને રાહત આપવાના હેતુથી આગામી ચાર-પાંચ વર્ષમાં 337 કિલોમીટરની મેટ્રો જાળ બિછાવવાનું નક્કી કર્યું છે. આમાંથી દહિસરથી ડી. એન. નગરનો `2એ' રૂટ, ડી. એન. નગરથી મંડાલેનો `2બી' કોરિડોર, કુલાબા-બાન્દ્રા-સિપ્ઝ મેટ્રો-3 કોરિડોર, વડાલાથી કાસારવડવલીનો મેટ્રો-ચાર કોરિડોર, સ્વામી સમર્થ નગરથી વિક્રોલીનો મેટ્રો-6 કોરિડોર તથા અંધેરી (પૂર્વ)થી દહિસર (પૂર્વ)નો મેટ્રો-સાત કોરિડોર એમ સાત રૂટનું કામ આ અગાઉ જ શરૂ થયું છે. 139 કિલોમીટર લંબાઈના મેટ્રો કોરિડોરનો 50 લાખ પ્રવાસીઓને લાભ મળશે.
મેટ્રો-10, 11 અને 12નું કામ હવે હાથમાં લેવાશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મુંબઈમાં મેટ્રોની સૌથી મોટી જાળ હશે. 2024માં મેટ્રોના બધા કોરિડોર પૂરા થયા બાદ એક કરોડથી વધારે લોકો આમાં મુસાફરી કરશે. અમે આ સાથે એક જ ટિકિટ પર રેલવે, મેટ્રો કે બેસ્ટમાં મુસાફરી કરી શકાય એવી સિસ્ટમ વિકસાવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer