રાષ્ટ્રપતિ કોવિંદના આઇસલૅન્ડ પ્રવાસ માટે

રાષ્ટ્રપતિ કોવિંદના આઇસલૅન્ડ પ્રવાસ માટે
હવાઈસીમા ખુલ્લી મૂકવા પાકિસ્તાનનો ઈનકાર

ઇસ્લામાબાદ, તા. 7 : પાકિસ્તાન એક બાજુ તો જીવનરક્ષક દવાઓ માટે ભારત પાસે કરગરી રહ્યું છે, પરંતુ બીજી તરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આઇસલેન્ડ જવા માટે પોતાના હવાઇમાર્ગનો ઉપયોગ કરવા આપવાનો ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ શનિવારે જણાવ્યું કે, ભારતે રાષ્ટ્રપતિ કોવિંદની આઇસલેન્ડની ફ્લાઇટ માટે મંજૂરી માગી હતી, જેને પાકિસ્તાને નામંજૂર કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ?કોવિંદ સોમવારથી 17મી સપ્ટેમ્બર સુધી આઇસલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ અને સ્લોવેનિયાની યાત્રા પર જવાના છે.
પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ સરકારી ટીવી ચેનલ પીટીવીને જણાવ્યું કે, ભારતના રાષ્ટ્રપતિને પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરવા ન આપવાના નિર્ણય પાછળ વડાપ્રધાન ઇમરાન ખાને સહમતી આપી દીધી છે. તેમણે જણાવ્યું કે, કાશ્મીરની તનાવપૂર્ણ સ્થિતિનાં કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પુલવામા આતંકી હુમલા બાદ 26મી ફેબ્રુઆરીના પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહંમદના સૌથી મોટા આતંકી કેમ્પ પર ઇન્ડિયન એરફોર્સની કાર્યવાહી પછીથી પાકિસ્તાને પોતાના હવાઇમાર્ગને પૂર્ણપણે બંધ કરી દીધો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer