ભાજપ સાથેની યુતિ અટળ છે ઉદ્ધવ

ભાજપ સાથેની યુતિ અટળ છે ઉદ્ધવ
મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : સંભવત: અૉક્ટોમ્બરમાં યોજાનારી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં બેઠકોને વહેંચણીમાં શાસક પક્ષ ભાજપ અને શિવસેનાએ પોતાનું વલણ કડક કર્યું છે એવા અહેવાલો મધ્યે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કહ્યું હતું કે રાજ્યમાં ભગવી યુતિ અકબંધ છે અને તે ફરી સત્તા પર આવશે. વડા પ્રધાન મોદીએ પણ ઉદ્ધવ ઠાકરે મારા નાના ભાઈ છે એમ કહીને તેમની પ્રશંસા કરી હતી. ઉદ્ધવે કહ્યું હતું કે અમને સત્તાની લાલસા નથી. અમે તો રાજ્યનો વિકાસ કરવા સત્તા પર આવવા માગીએ છીએ. રાજ્યમાં સારી અને મજબૂત સરકાર સત્તા પર આવશે.
ઉદ્ધવે જમ્મુ અને કાશ્મીર રાજ્યને ખાસ દરજ્જો આપતી કલમ 370ની નાબૂદી બદલ મોદીનો આભાર માન્યો. ઉદ્ધવે કહ્યું હતું કે તમે અયોધ્યામાં રામમંદિર બાંધશો અને સમાન નાગરિક કાયદો લાવશો એનો અમને વિશ્વાસ છે. મોદીના રૂપમાં દેશને સમર્થ નેતૃત્વ મળ્યું છે. કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે એ મોદીએ શબ્દો વડે નહીં, કાર્યો વડે સિદ્ધ કર્યું છે. મહત્ત્વાકાંક્ષી ચંદ્રમિશન હાથ ધરનારા ઇસરોના વિજ્ઞાનીઓ પર અમને ગર્વ છે. મોદીએ ચંદ્રની પરિક્રમા પણ કરી છે એમ ઉદ્ધવે ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer