પશ્ચિમનાં પરાંમાં વરસાદે ફરી પકડયું જોર

પશ્ચિમનાં પરાંમાં વરસાદે ફરી પકડયું જોર
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાંમુંબઈ, તા. 7 : આજે ગૌરી વિર્સજનના દિવસે પશ્ચિમના પરાંમાં વરસાદે બપોર પછી ફરી જોર પકડયું હતું અને અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દહિસર, બોરીવલી, ગોરેગાવ વિસ્તારમાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને બપોર પછી વરસાદે જોર પકડયું હતું. હિંદમાતા, સાયન, લોઅર પરેલ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. 

મુંબઈ શહેર અને પૂર્વ ઉપનગર સહિત દક્ષિણ મુંબઈમાં પણ બપોરે બાર વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો અને અઢી વાગ્યા પછી મુશળધાર વરસાદ વરસવા લાગ્યો હતો. થાણે જિલ્લામાં પણ આજે વરસાદે હાજરી પુરાવી હતી. વીજળીના કડાકા સાથે પડેલાં વરસાદને લીધે કોલશેત, બ્રહ્માન્ડ, ઘોડબંદર રોડ પરિસરમાં ઘુંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. તેમ જ ભાઇંદર, વસઈ, વિરાર પટ્ટામાં પણ જોરદાર વરસાદ પડયો હતો. 

આવનારા બે દિવસ રવિવારે અને સોમવારે પણ મુશળધાર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. જોકે, આજે મુશળધાર વરસાદ દરમિયાન પણ મુંબઈગરાની લાઈફલાઈન ગણાતી લોકલની ત્રણે લાઈનો પર ટ્રેન વ્યવહાર ચાલુ રહ્યો હતો, પરંતુ ટ્રેનો નિયત સમય કરતાં થોડીક મોડી દોડી રહી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer