વૉલેટ ફ્રેન્ડલી બનાવવા માટે ચલણી નોટ્સની

વૉલેટ ફ્રેન્ડલી બનાવવા માટે ચલણી નોટ્સની
સાઇઝ વારંવાર બદલવામાં આવી આરબીઆઇ

મુખ્ય ન્યાયાધીશની હળવી ટકોર : હવે નોટ્સ બૅન્ક ફ્રેન્ડલી ક્યારે બનશે?

મુંબઈ, તા.7 : ચલણી નોટ્સની સાઇઝ અને ડિઝાઇનમાં વારંવાર ફેરફાર સંબંધે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)એ બૉમ્બે હાઇ કોર્ટમાં જણાવ્યું હતું કે ડૉલર સહિતની આંતરરાષ્ટ્રીય કરન્સી (ચલણી નોટ્સ) સાથે આપણી કરન્સીની સાઇઝ મૅચ કરવા માટે તેમ જ લોકોનાં પાકિટમાં તે બરાબર બેસી જાય (વૉલેટ ફ્રેન્ડલી) એ માટે નોટ્સની સાઇઝ અને ડિઝાઇનમાં ફેરફાર કરાયા છે. કરન્સીની સાઇઝમાં હવે વધુ કોઇ ફેરફાર કરવામાં નહીં આવે, એમ પણ આરબીઆઇ તરફથી કોર્ટમાં જણાવાયું હતું. 
નેશનલ અસોસિયેશન ફોર બ્લાઇન્ડએ હાઇ કોર્ટમાં અરજી કરીને આરબીઆઇ પાસેથી વાંરવાર નોટ્સની સાઇઝ અને ડિઝાઇનમાં શા માટે ફેરફાર કરવામાં આવે છે તેમ જ પ્રજ્ઞાચક્ષુઓ કેવી રીતે નોટની ખરાઇ કરી શકે એ જણાવવાની માગણી કરી હતી. આરબીઆઇ તરફથી એવું કહેવાયું કે વૉલેટ ફ્રેન્ડલી નોટ્સ માટે તેની સાઇઝમાં ફેરફાર કરવામાં આવે છે, એ સાંભળીને હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રદીપ નંદરાજોગે હળવી ટકોર કરતાં કહ્યું હતું કે આરબીઆઇ પણ ફેશન પ્રત્યે સભાન બની રહી છે એની મને ખબર નહોતી. ત્યાર બાદ તેમણે ઠપકાની ભાષામાં પ્રશ્ન કર્યો હતો કે હવે નોટ્સ વૉલેટ ફ્રેન્ડલી બનશે અને વૉલેટ પૉકેટ ફ્રેન્ડલી, ત્યાર બાદ પૉકેટ બૅન્ક ફ્રેન્ડલી બનશે...એવું સમજતાં તમને વધુ સમય નથી લાગ્યો? કોર્ટે અગાઉ આરબીઆઇને ચાર અઠવાડિયાનો સમય આપીને શા માટે વારેઘડીએ નોટ્સની સાઇઝ અને ડિઝાઇન બદલવામાં આવે છે એ જણાવવાનું કહ્યું હતું અને ગુરુવારે આરબીઆઇ તરફથી આનો જવાબ આપતું સોગંદનામું રજૂ કરાયું હતું. 
આરબીઆઇના વકીલ વેંકટેશ ધોન્ડે ખંડપીઠ સમક્ષ કહ્યું હતું કે વર્ષ 1967થી 2019 સુધીમાં માત્ર એક જ વાર નોટની સાઇઝ બદલવામાં આવી છે. આનું ઉદાહરણ આપતાં વકીલે કહ્યું હતું કે દસ રૂપિયાની નોટ 1967થી 2019 સુધી કોઇ પણ ફેરફાર વગરની જ રહી હતી. જોકે, મુખ્ય ન્યાયાધીશ આજે હળવા મૂડમાં જ હતા અને તેમણે કહ્યું હતું કે દસ રૂપિયાની નોટ સંબંધે મને શંકા છે, મેં મોટી સાઇઝની દસની નોટ જોઇ હોવાનું યાદ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer