બેસ્ટને વધુ 400 કરોડ રૂપિયાની સહાય કરશે મહાપાલિકા

બેસ્ટને વધુ 400 કરોડ રૂપિયાની સહાય કરશે મહાપાલિકા
મુંબઈ, તા. 7: બેસ્ટને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા મુંબઈ મહાનગર પાલિકા વધુ 400 કરોડ રૂપિયાનું અનુદાન આપવાની છે, પરંતુ આ અનુદાન આપતી વખતે બેસ્ટને આર્થિક શિસ્ત પાળવાની સાથે બેસ્ટને અત્યાર સુધી અપાયેલી સહાયમાંથી કઈ ઉપાય યોજના કરવામાં આવી છે. એનો અહેવાલ આપવા જણાવાયું છે.
છેલ્લા ત્રણ વર્ષથી બેસ્ટ પ્રસાશન આર્થિક કટોકટી અનુભવ રહ્યું છે. એમાંથી બહાર નીકળવા માટે મહાપાલિકા સહાય કરે એવી માગણી રાજકીય પક્ષોની સાથે કામગાર યુનિયનોએ કરી હતી. તેમની અપીલને સકારાત્મક પ્રતિસાદ આપતા પાલિકા કમિશનર પ્રવીણ પરદેશીએ બેસ્ટને ઉગારવા પગલાં લેવાનું શરૂ કર્યું. નવી બસો ખરીદવા જૂનથી અૉગસ્ટ દરમિયાન 600 કરોડ રૂપિયા આપ્યા ઉપરાંત બેસ્ટને દેવા મુક્ત કરવા અૉગસ્ટ મહિનામાં 1136.31 કરોડ રૂપિયાની આર્થિક સહાય કરી હતી.
પાલિકાએ અત્યાર સુધી ફાળવેલા ફંડમાંથી કેટલું દેવુ ચુકવવામાં આવ્યું, ઉપક્રમને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા કેવા પગલાં લેવાયા અને એનું શું પરિણામ આવ્યું એ અંગેનો અહેવાલ હજુ સુધી પાલિકાને આપ્યો ન હોવાનું પાલિકા પ્રશાસને પ્રસ્તાવમાં જણાવ્યું છે. સ્થાયી સમિતિની આગામી બેઠકમાં 400 કરોડ રૂપિયાની સહાય અંગેનો પ્રસ્તાવ મંજૂરી માટે આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer