ચંદ્ર ઉપર જવાનું સપનું સાકાર થઈને રહેશે મોદી

ચંદ્ર ઉપર જવાનું સપનું સાકાર થઈને રહેશે મોદી
જનસભાને સંબોધતા વડા પ્રધાને ઈસરોના વૈજ્ઞાનિકોની ભરપુર પ્રશંસા કરી

મુંબઈ, તા. 7 : ગણેશોત્સવ વચ્ચે મુંબઈ પહોંચેલા પીએમ મોદીએ ચંદ્રયાન-2 માટે ઈસરોના વૈજ્ઞાનિકોની મનભરીને પ્રશંસા કરી હતી. પીએમએ કહ્યું હતું કે, ચંદ્રયાન-2 મિશનમાં એક પડકાર આવ્યો છે પણ ચંદ્ર ઉપર પહોંચવાનું સપનું સાકાર થઈને રહેશે. મોદીએ કહ્યું હતું કે, ઈસરોએ મિશન માટે જે રીતે મહેનત કરી છે તેના માટે મિશન સાથે જોડાયેલા તમામ લોકો ઉપર ગર્વ છે. 
પીએમ મોદીએ મુલાકાત દરમિયાન ગણેશોત્સવ વચ્ચે મુંબઈના લોકોને મોટી ભેટ આપી હતી અને 19000 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા મેટ્રો કોરિડોર્સનું શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ ભારત અર્થ મુવર્સ દ્વારા નિર્મિત મેક ઈન ઈન્ડિયા મેટ્રો કોચનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન જનસભા સંબોધિત કરતા મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, લક્ષ્ય માટે કેવી રીતે દિવસ રાત એક થાય છે. કેવી વિપરિત સ્થિતિમાં પડકારો વચ્ચે લક્ષ્ય મેળવવા માટે એકજૂથ રહી શકાય તે ઈસરોના વૈજ્ઞાનિકોએ શિખવ્યું છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ જે જુસ્સો બતાવ્યો છે તેનાથી પોતે પ્રભાવિત છે તેમ મોદીએ કહ્યું હતું. 
ઈસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસામાં મોદીએ કહ્યંy હતું કે, કોઈપણ લક્ષ્યને મેળવવાના પ્રયાસ કરતા ત્રણ જાતના લોકો હોય છે. સૌથી નીચેના સ્તરના લોકો પડકારના ભયે કામની શરૂઆત જ નથી કરતા. મધ્ય સ્તરના લોકો કામની શરૂઆત તો કરે છે પણ પડકાર આવતા નાસી છૂટે છે. જ્યારે સૌથી ઉપરના સ્તરના લોકો પડકાર આવવા છતા પણ સતત પ્રયાસ કરતા રહે છે અને લક્ષ્ય મેળવીને શ્વાસ ભરે છે. ઈસરોના વૈજ્ઞાનિકો સૌથી ઉપરના સ્તરના છે. તેઓ સતત મહેનત કરે છે અને ચંદ્ર ઉપર જવાનું સપનું પણ સાકાર કરીને જ રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer