બોલીવુડે કરી ઈસરોના પ્રયાસોની પ્રશંસા

અમિતાભે શૅર કરી અગ્નિપથની કવિતા : કલાકારોએ કહ્યું ઈસરો ઉપર ગર્વ છે

નવી દિલ્હી, તા. 7 : મિશન ચંદ્રયાન લગભગ અસફળ રહ્યું છે.  ઈસરોના વૈજ્ઞાનિકોને પણ હવે ચંદ્રયાન-2 સાથે સંપર્ક થવાની કોઈ આશા નથી. જો કે મિશન ભલે નિષ્ફળ રહ્યું પણ મિશન માટે ભારતીયો દ્વારા ઈસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરવામાં આવી રહી છે. બોલિવુડના સેલિબિટ્રિઝ પણ ઈસરોના પ્રયાસોની સરાહના કરી રહ્યા છે. મેગા સ્ટાર અમિતાભ બચ્ચને અગ્નિપથની કવિતા શેર કરતા લખ્યું હતું કે ગર્વ કભી હાર કા સામના નહી કરતા, હમારા ગર્વ, હમારી જીત, આપ પર ગર્વ હૈ ઈસરો.
શાહરુખ ખાને ઈસરોની સરાહના કરતા કહ્યું હતું કે, ઘણી વખત જ્યાં પહોંચવા માગીએ છીએ ત્યાં પહોંચી શકતા નથી. પણ સૌથી જરૂરી વાત લક્ષ્ય માટે આગળ વધવાની છે. આપણી વર્તમાન સ્થિતિ આપણી મંઝીલ ન હોય શકે પણ સમય અને વિશ્વાસ સાથે મળી શકે છે. બોલિવુડના પ્રોડયુસર ડાયરેક્ટર કરણ જોહરે ઈસરોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ઈસરોના પ્રયાસોની પ્રશંસા કરે છે અને તેને સલામ કરે છે. ઈસરો જે કામ કરી રહ્યું છે તેના માટે ગર્વ છે.સુપરસ્ટાર અક્ષય કુમારે કહ્યું હતું કે, પ્રયોગ વિના વિજ્ઞાન નથી હોતું. ઘણી વખત સફળતા મળે છે અને ઘણી વખત અનુભવ મળે છે. ઈસરોના વૈજ્ઞાનિકોને સલામ અને આશા છે કે ટૂંક સમયમાં ચંદ્રયાન-2 ચંદ્રયાન-3 માટેના રસ્તા ઉપર પ્રકાશ પાડશે. તાપસી પન્નુએ કહ્યું હતું કે, જે રીતે દેશને એક આશાએ એકત્રિત કર્યો હતો તે જોઈને આંખમાં આંસુ આવી ગયા હતા. લાંબી છલાંગ માટે બે કદમ પાછળ જવામાં કોઈ વાંધો નથી. ઈસરો અમારો હિરો છે. આ ઉપરાંત અનુપમ ખેર, મધુર ભંડારકર સહિતના બોલિવુડ કલાકારો અને ડાયરેક્ટરોએ ઈસરોની પ્રશંસા કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer