ચંદ્રયાન મામલે ભારતને વણમાગી સલાહ આપી ઘેરાયા પાકિસ્તાની પ્રધાન

ગરીબી પર ધ્યાન આપો એમ કહેનારા ફવાદ ચૌધરી ટ્રોલ થયા : ખુદ પાકિસ્તાનીઓએ માછલાં ધોયાં

નવી દિલ્હી, તા. 7 : ચંદ્રયાન-2નો છેક છેલ્લી ઘડીએ લેન્ડર વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયો તેની ચર્ચા પાકિસ્તાનના મીડિયામાં પણ થઈ રહી છે. પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ  ચંદ્રયાન જેવા મિશન પર પૈસા બગાડવા અને અભિનંદન જેવાને એલઓસી પર ચા પીવડાવવા મોકલવાને બદલે ગરીબી પર ધ્યાન આપો એવી ભારતને સલાહ આપતાં ખુદ તેમના જ દેશમાં ઘેરાઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા.
ભારતીય યુઝર્સે તો ફવાદને શબ્દોથી ધોયા જ હતા ખુદ પાકિસ્તાની યુઝર્સે પણ તેમના મંત્રીની ટીકા કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. અલ્તાફ બટ નામના યુઝર્સે લખ્યું કે તમે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી છો. ભારતને ભાષણ આપવાને બદલે આપણે ચંદ્ર પર ક્યારે જશું તેની તમારે તારીખ આપવાની જરૂર હતી.
અન્ય એક પાકિસ્તાની યુઝર મહમ્મદ અઝીઝે કહ્યું કે મંત્રીજી તેઓ પ્રયાસ કરે છે અને નિષ્ફળતાને સ્વીકારે પણ છે.
અભય કશ્યપ નામના ભારતીય યુઝર્સે લખ્યું કે ઊંઘી જાઓ ભાઈ.., મૂનના બદલે મુંબઈમાં રમકડું ઊતરી ગયું. જે વાતમાં ખબર ન પડે તેમાં ઝઘડો કરવો નહીં.
એક ટીવી પત્રકારે પણ ચૌધરી વિશે લખ્યું કે આ વ્યક્તિ પાકિસ્તાન માટે યોગ્ય નથી. જે રીતે તેમને માહિતી મંત્રી તરીકે હટાવાયા એમ જ વિજ્ઞાન મંત્રી તરીકે પણ હટાવવા જોઈએ. તમે બુદ્ધિ વેચી નાખી છે ?

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer