આ વર્ષે ખરીફ પાકની વાવણીનો વિસ્તાર 1029 લાખ હેકટર્સ

બેંગલુરુ, તા. 7 : સુસ્ત શરૂઆત કર્યા પછીથી ખરીફ પાકની વાવણીનો વિસ્તાર આગલા વર્ષની તુલનામાં લગભગ સરખો જેવો રહ્યો છે. જેમાં કપાસ, મકાઈ અને સોયાબીનના વાવેતરનો વિશેષ ફાળો રહ્યો છે. ગયા વર્ષે આ પાકોમાં સારું વળતર ઊપજ્યું હતું.
આમ તો વાવણીની મોસમ લગભગ પૂરી થઈ છે અને કૃષિ મંત્રાલયના તે અંગેના ડેટા જોતા જાણવા મળ્યું છે કે ખરીફ પાકનો કુલ વાવેતર વિસ્તાર 1029 લાખ હેકટરનો રહ્યો છે, જે ગયા વર્ષના 1035 લાખ હેકટરની તુલનામાં સાધારણ ઓછો ગણાય.  આમ તો વાવેતર વિસ્તાર સામાન્ય રીતે 1063 લાખ હેકટરનો મનાય છે.
અૉગસ્ટ દરમિયાન દેશભરમાં પુરાંત દર્શાવતા વરસાદે ખરીફ પાકની ઓછપને ભૂંસી નાખી છે. 4થી સપ્ટેમ્બર સુધી વરસાદ એક ટકો વધુ રહ્યાની ગણતરી થાય છે. લગભગ સાતેક પેટા-ડિવિઝનોમાં વરસાદ ખાધવાળો ગણાતો હતો. મુખ્ય ખરીફ પાક ડાંગરનો વાવેતર વિસ્તાર 10 લાખ હેકટર્સ ઓછો રહ્યો હતો. જેનું કારણ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, તામિલનાડુમાં ઓછો વાવણી વિસ્તાર તો કર્ણાટક, તેલંગણા, એમપી અને ઓડિશામાં ડાંગરનો વિસ્તાર વધ્યો હોવાનું અંદાજાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer