ખાતામાં ત્રણથી વધુ વખત રોકડ જમા કરાવી તો લાગશે ચાર્જ

એસબીઆઈ અૉક્ટોબર મહિનાથી લાગુ કરશે નવા સર્વિસ ચાર્જ

નવી દિલ્હી, તા. 7 : દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈ આગામી એક ઓક્ટોબરથી પોતાના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. જેમાં બેન્કમાં રૂપિયા જમા કરાવવા, રૂપિયા ઉપાડવા, ચેકનો ઉપયોગ, એટીએમ ટ્રાન્ઝેક્શન સંબંધિત સર્વિસ ચાર્જ સામેલ છે. સર્વિસ ચાર્જમાં બદલાવ સંબંધે એસબીઆઈએ પોતાની વેબસાઈટ ઉપર એક પરિપત્ર પણ જારી કર્યો છે. 
એસબીઆઈ જે સૌથી મોટો બદલાવ કરવા જઈ રહી છે તેમાં બેન્કમાં રૂપિયા જમા કરાવવાનો ચાર્જ સામેલ છે. એસબીઆઈના પરિપત્ર પ્રમાણે એક ઓક્ટોબર બાદ એક મહિનામાં ખાતામાં માત્ર ત્રણ વખત જ મફત જમા કરાવી શકાશે. ત્યારબાદ પ્રત્યેક ટ્રાન્ઝેક્શન ઉપર 50 રૂપિયા (જીએસટી અલગ) ચાર્જ આપવો પડશે. બેન્ક સર્વિસ ચાર્જ ઉપર 12 ટકા જીએસટી વસુલે છે. આ પ્રકારે 56 રૂપિયા ચૂકવવાના રહેશે. એસબીઆઈએ ચેક રિટર્નના નિયમોને પણ વધુ આકરા બનાવ્યા છે. બેન્ક પરિપત્ર પ્રમાણે 1 ઓક્ટોબર બાદ કોઈપણ ટેક્નીકલ કારણથી ચેક બાઉન્સ થાય અથવા પરત ફરે તો ચેક જારી કરનારાને 150 રૂપિયા અને જીએસટીનો ચાર્જ ચૂકવવાનો રહેશે. બીજી તરફ એસબીઆઈએ આરટીજીએસ ઉપર લાગતા ચાર્જમાં રાહત આપી છે. નિયમની અમલવારી બાદ 2-5 લાખ રૂપિયાના આરટીજીએસ માટે 20 રૂપિયા, પાંચ લાખથી વધુની રકમ ઉપર 40 રૂપિયા પ્લસ જીએસટી વસુલવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer