ઈસરોના જુસ્સાને ખેલ જગતની સલામ

નવી દિલ્હી,તા. 7 : દેશના મહત્વાકાંક્ષી અભિયાન ચંદ્રયાન-2નો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ અનહોનીથી ઈસરો ઈતિહાસ સર્જવાથી ચૂકી ગયું છે પણ દેશવાસીઓ દ્વારા ઈસરોના જુસ્સાને સલામ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખેલ જગત પણ પાછળ નથી. ભારતીય ઓપનર શિખર ધવન, દિગ્ગજ વિરેન્દ્ર સહેવાગ, આકાશ ચોપડા ઉપરાંત રેસલર યોગેશ્વર દત્તે ઈસરોના જુસ્સાને સલામ કર્યો છે. ધવને લખ્યું હતું કે, ટીમ ઈસરોના અથાગ પ્રયત્ન ઉપર ગર્વ છે. તમે હાર્યા નથી પણ સફળતાની વધુ નજીક લાવ્યા છો.
 આ આશાને જીવંત રાખજો. પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે કહ્યું હતું કે, સપનું અધૂરૂ છે પણ જુસ્સો જીવંત છે. સફળતા જરૂર મળશે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, જો ભૂલમાંથી શિખવા ન મળે તો તેને અસફળતા કહેવાશે પણ આપણે મજબૂત વાપસી કરશું. કરોડો ભારતીયોની આશાને એક કરનારા ઈસરોના જુસ્સાને સલામ. દેશના સ્ટાર પહેલવાન અને ઓલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્તે કહ્યું હતું કે, અમને દેશના વૈજ્ઞાનિકો ઉપર ગર્વ છે અને ભરોસો છે કે આગામી મિશનમાં જરૂર સફળતા મળશે. આવી જ રીતે આકાશ ચોપડા અને હરભજન સિંહે પણ ઈસરોના અથાગ પ્રયાસની પ્રશંસા કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer