આઈસીઈએક્સ પર સપ્તાહ દરમિયાન ખપપૂરતાં કામકાજ

મુંબઈ, તા. 7 : ઇન્ડિયન કૉમોડિટી એક્સચેન્જ (આઈસીઈએક્સ) પર સમીક્ષા હેઠળના 30 અૉગસ્ટથી 5 સપ્ટેમ્બરના સપ્તાહમાં કુલ ટર્નઓવર ગતસપ્તાહની સરખામણીમાં રૂા.197.35 કરોડ જેટલું ઘટીને રૂા.480.89 કરોડનું હાંસલ થયું હતું. આ ગાળામાં ડાયમંડમાં ટર્નઓવર રૂા.101.82 કરોડ ઘટી રૂા.241.47 કરોડ, સ્ટીલ- લોંગમાં રૂા. 51.52 કરોડ ઘટી રૂા. 101.24 કરોડ, રબરમાં રૂા. 10.59 કરોડ ઘટી રૂા. 55.58 કરોડ, ઈસબગુલમાં રૂા. 3.39 કરોડ ઘટી રૂા. 10.51 કરોડ, મરીમાં રૂા. 8.70 કરોડ ઘટી રૂા. 42.49 કરોડ અને બાસમતી ચોખામાં રૂા. 21.33 કરોડ ઘટી રૂા. 39.19 કરોડનું થયું હતું. 
રબર : આઈસીઈએક્સના સૌથી સક્રિય સપ્ટેમ્બર કોન્ટ્રાકટમાં ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 13,704 સામે રૂા. 600 વધી સપ્તાહાંતે રૂા. 14,304 થયો હતો. ભારતમાં ઓટોમોબાઇલ્સ ઉદ્યોગ દેશના કુલ રબર ઉત્પાદનના 65 ટકા હિસ્સાનો વપરાશ કરે છે. રબરનો મુખ્યત્વે ઉપયોગ ટાયર બનાવવામાં થાય છે. આ ક્ષેત્રની અન્ય એસેસરીઝનો કુલ વપરાશમાં હિસ્સો 20 ટકા જેટલો છે. જોકે, સ્ટોકિસ્ટોની માગ રબરના ભાવમાં મોટા ઘટાડાને અવરોધે તેવી સંભાવના છે. ઓટોમોબાઇલના વેચાણને પુન:જીવિત કરવા સરકારે ગત સપ્તાહમાં ઘસારા દરમાં વૃદ્ધિ અને રજિસ્ટ્રેશન ચાર્જિસમાં વધારો મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. આમ છતાં, ઉદ્યોગ આ ક્ષેત્રના પુન:જીવન વિષે આશંકિત છે. એવું જણાયું હતું કે પ્રાથમિક રીતે, અૉટો ઉદ્યોગ સરકારના આર્થિક પુન:જીવન સંબંધી પેકેજનો લાભકર્તા ઉદ્યોગોમાં એક છે. જોકે, કેરળ સ્થિત ટાયર ઉત્પાદકના જણાવ્યા મુજબ કથિત પેકેજને પગલે માગમાં સુધારો થવા વિષે સંદેહ છે. અન્ય એક રબર ઉત્પાદકના મતાનુસાર લાંબાગાળે ઉદ્યોગને લાભ મળી શકે છે પણ રબર બજારમાં મંદીનો ગાળો આગામી એકથી બે મહિના જળવાઈ રહેવાની ધારણા છે. જોકે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટોકિસ્ટ વર્ગની માગ ભાવમાં મોટા ઘટાડાને અવરોધશે. અૉક્ટોબરથી ડિસેમ્બરની પુરજોર મોસમમાં આવકમાં 15થી 20 દિવસનો વિલંબ થવાની ધારણાએ ભાવમાં દરેક ઘટાડે સ્ટોકિસ્ટ વર્ગ બજારમાં પ્રવેશી શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer