મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર ટોલ વસૂલી માટે હવે રિલાયન્સ, અદાણી મેદાનમાં

મુંબઈ, તા. 7  : રાજ્યમાં સૌથી વધુ આવક રળી આપતા ટોલનાકા તરીકે ઓળખાતી મુંબઈ-પુણે યશવંતરાવ ચવ્હાણ એક્સ્પ્રેસવેના ટોલનાકા પર કબજો કરવા માટે રિલાયન્સ અને અદાણી જેવી મોટી કંપનીઓ મેદાનમાં ઉતરી છે. આથી આજ સુધી ટોલ વસૂલીમાં ઇજારાશાહી ધરાવતી આઈઆરબી કંપની સમક્ષ પ્રથમવાર પડકાર ઊભો થયો છે.
મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે બાંધવા પાછળ થયેલો ખર્ચ વસૂલવા 2004થી આ માર્ગ અને જૂના મુંબઈ-બેંગ્લોર હાઈવે પર ટોલ વસૂલવાનું શરૂ કરવા મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)એ નિર્ણય લીધો હતો. તે વખતે 15 વર્ષ માટે ટોલ વસૂલીનો કૉન્ટ્રેક્ટ આઈડીયલ રોડ બીલ્ડર્સ (આઈઆરબી) કંપનીને આપવામાં આવ્યો હતો.
હાલ આ રોડ પર ટોલ વસૂલીની મુદત 2030 સુધી છે. એ માટે રાજ્યમાં પ્રથમવાર ટોલ અૉપરેટ ઍન્ડ ટ્રાન્સફર (ટીઓટી)ના ધોરણે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ છે. બાકીના 11 વર્ષ માટે 9000 કરોડ રૂપિયાની રકમ  અપેક્ષિત છે.
ટોલ વસૂલીનો કૉન્ટ્રેક્ટ આપવા માટે કૉર્પોરેશને નક્કી કરેલી કિંમત કરતા સૌથી વધુ બોલી બોલનાર કંપનીને આ કૉન્ટ્રેક્ટ અપાશે. અત્યાર સુધી રાજ્યમાં ટોલ વસૂલીમાં આઈઆરબીનો ઇજારો મનાય છે, પરંતુ હવે એમાં કેટલીક મોટી કંપનીઓ પણ ઝંપલાવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer