જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લામાં ટુજી ઈન્ટરનેટ

જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લામાં ટુજી ઈન્ટરનેટ
ખીણમાં લૅન્ડલાઈન બહાલ

સોમવારથી પ્રાથમિક શાળાઓ પણ શરૂ થઈ જશે : 17 ટેલિફોન એક્સ્ચેન્જ કાર્યરત

શ્રીનગર, તા. 17 : આર્ટિકલ 370 દુર થયા બાદથી જમ્મુ કાશ્મીરમાં લાદવામાં આવેલા પ્રતિબંધોની ધીરે ધીરે દૂર કરવામાં આવી રહ્યા છે. જમ્મુમાં શાળા કોલેજો રાબેતા મુજબ ચાલવા લાગ્યા છે અને હવે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. જમ્મુમાં ટુજી સ્પીડ સાથે ઈન્ટરનેટ સેવા બહાલ કરવામાં આવી છે. કાશ્મીરમાં પણ લેન્ડલાઈન સર્વિસ શરૂ થઈ છે. રાજ્યના મુખ્ય સચિવ બી.આર. સુબ્રમણ્યમે રાજ્યમાં જારી પ્રતિબંધોમાં ઢીલ આપવાના સંકેત એક દિવસ અગાઉ શુક્રવારે જ આપી દીધા હતા. 
કાશ્મીર ઘાટીના 17 એક્સચેન્જમાં લેન્ડલાઈન સેવા શનિવારે બહાલ કરવામાં આવી હતી. અધિકારીઓના કહેવા પ્રમાણે 100થી  વધુ ટેલિફોન એક્સચેન્જમાંથી 17માં સર્વિસ શરૂ કરવામાં આવી છે. ઉત્તર કાશ્મીરમાં ગુરેજ, તંગમાર્ગ, ઉરી કેરન કરનાહ અને તંગધાર વિસ્તારમાં સેવા શરૂ થઈ છે. જ્યારે દક્ષિણ કાશ્મીરમાં કાઝીગુંડ અને પહેલગામ વિસ્તારમાં સુવિધા શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતો અનુચ્છેદ દૂર કર્યા બાદ 5 ઓગસ્ટથી તમામ સુવિધા બંધ કરવામાં આવી હતી. 
પ્રધાન સચિવે શનિવારે સવારે કહ્યું હતું કે, સોમવારથી ઘાટીની પ્રાથમિક શાળાઓ શરૂ થશે. પરંતુ સીનિયર માટે શાળા અમુક સમય બાદ શરૂ કરવામાં આવશે. કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે અને વાહનવ્યવહાર પણ સામાન્ય થઈ રહ્યો છે. રોહિત કંસલના કહેવા પ્રમાણે આવતીકાલ સુધીમાં અન્ય ટેલિફોન એક્સચેન્જની સુવિધા પણ શરૂ થઈ જશે. આ ઉપરાંત 35 જેટલા વિસ્તારોમાં કર્ફ્યુમાં પણ રાહત આપવામાં આવી છે. એજન્સીઓના અધિકારીઓ પરિસ્થિતિ ઉપર સતત દેખરેખ રાખી રહ્યા છે. જો કે પાંચ જિલ્લામાં હજી પણ પ્રતિબંધો અમલી છે અને સંવેદનશિલ વિસ્તારોમાં પૂરતા સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer