સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો મજબૂત અવાજ બન્યા સૈયદ અકબરુદ્દીન

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો મજબૂત અવાજ બન્યા સૈયદ અકબરુદ્દીન
પશ્ચિમ એશિયાના વિશેષજ્ઞ ગણાતા અકબરુદ્દીને ચીન અને પાકિસ્તાનની બોલતી બંધ કરી

નવી દિલ્હી, તા. 17 : સંયુક્ત રાષ્ટ્રમાં બંધ બારણે જમ્મુ કાશ્મીરના મુદ્દાને ઉઠાવીને તેને આંતરરાષ્ટ્રીય રંગ આપવાની ચીન અને પાકિસ્તાનની નાપાક સાજીશને ભારતે શુક્રવારે નાકામ કરી દીધી હતી. ભારતની કૂટનીતિ એટલી અસરકારક રહી હતી કે બેઠક શરૂ થાય તે પહેલા જ રશિયાએ કાશ્મીરને ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષિય મામલો ગણાવી દીધો હતો. બેઠક બાદ ભારતનો વારો આવ્યો ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને કમાન સંભાળી હતી અને સરળ શબ્દોમાં તર્ક અને તથ્યને રજૂ કરીને ચીન અને પાકિસ્તાનને ધોઈ નાખ્યા હતા. 
1985માં ભારતીય વિદેશ સેવા જોઈન કરનારા સૈયદ અકબરુદ્દીનના પિતા એસ બદરુદ્દીન હૈદરાબાદ સ્થિત ઉસ્માનિયા  યૂનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના હેડ હતા. એસ બદરુદ્દીન ત્યારબાદ કતરમ ભારતના રાજદૂત બન્યા હતા. અકબરુદ્દીનની માતા ડોક્ટર  ઝેબા ઈંગ્લિશના પ્રોફેસર હતા. પોતાની હાજરજવાબી અને આત્મસંયમ માટે પ્રખ્યાત અકબરુદ્દીનને પશ્ચિમ એશિયાના વિશેષજ્ઞ ગણવામાં આવે છે. તેઓએ વિદેશ મંત્રાલયના અલગ અલગ પદ ઉપર  સફળતાપૂર્વક કામ કર્યું છે.
2015મા અકબરુદ્દીન ભારત-આફ્રિકા ફોરમ સમિટના કોઓર્ડિનેટર રહી ચુક્યા છે. તેમજ 2012થી 2015 વિદેશ મંત્રાલયના પ્રવક્તા રહ્યા હતા. જ્યારે 1995થી 1998 વચ્ચે યુએનમાં ફર્સ્ટ સેક્રેટરી પણ હતા.આ ઉપરાંત તેઓ સાઉદી અરબ અને ઈજિપ્તમાં પણ કામ કરી ચુક્યા છે.
સંયુક્ત રાષ્ટ્રની કાશ્મીર મુદ્દે બંધબારણે થયેલી બેઠક બાદ અકબરુદ્દીને આત્મવિશ્વાસથી પાકિસ્તાની પત્રકારોના સવાલના જવાબ આપ્યા હતા અને તેઓની બોલતી બંધ કરી દીધી હતી. જ્યારે ચીન અને પાકિસ્તાનના પ્રતિનિધિ માત્ર પોતાના નિવેદનો વાંચીને ચાલ્યા ગયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer