ઉપરવાસમાં વરસાદથી બનાસ નદી બે કાંઠે વહેતી થઇ

ઉપરવાસમાં વરસાદથી બનાસ નદી બે કાંઠે વહેતી થઇ
કાંઠાનાં 13 ગામોને ઍલર્ટ કરાયાં
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.17: રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે જેને લઇને ઉપરવાસમાંથી આવી રહેલા વરસાદી પાણીના કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઇ છે. બનાસ નદીમાં પાણીના સ્તર વધતા કાંઠે વસતા 13 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 
બનાસ નદીના ઉપરવાસ રાજસ્થાનમાં વધારે વરસાદ પડયો છે. આ ઉપરાંત અમીરગઢ તાલુકામાં પણ વધુ વરસાદ પડતા ગઇકાલથી બનાસ નદી બંને કાંઠે વહેતી થઇ છે.  બનાસ નદીમાં પાણી આવવાથી જિલ્લાના પાણીના તળને મોટો ફાયદો થઇ શકે છે. જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે પણ બીજી તરફ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પાણીનું સ્તર હજુ પણ વધવાની શક્યતા છે તેથી તકેદારીના ભાગરૂપે તંત્ર એલર્ટ પર આવી ગયું છે. અમમીરગઢ, સરોત્રા, કાકવાડા, ઇકબાલગઢ, કરજા, બલુન્દ્રા સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગામ લોકોને નદી તરફ ન જવા ચેતવણી આપવામાં આવી છે. 
મહત્વનું છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મુકીને વરસતા દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક વધી છે. ડેમમાં હાલ 9273 ક્યુસેક પાણીની આવક નોંધઙબ છે, તો ડેમની સપાટી હાલ 560 ફૂટ પહોંચી છે. ડેમની ભયનજનક સપાટી 604 ફૂટ છે.  
દરમિયાન પાટણ જિલ્લામાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી સાથે સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે ત્યારે વરસાદે  હારીજ પંથકને પાણી-પાણી કરી દીધું છે. હારીજમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. આ સાથે બહુચરાજી જવાના હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં વરસાદે વિરામ લીધા બાદ પણ આ ભરાયેલા પાણી ઉતર્યા નથી. બહુચરાજી બાયપાસ રોડ ઉપર ભીલપુરા રોડ આવેલી શિવવિલા, હસ્તિનાપુર સોસાયટીમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. 
ઉપરવાસમાં સારા વરસાદને પગલે સાબરકાંઠાના પોસીનાની નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીનું સ્તર વધતા પોશીના વિસ્તારમાં અનેક કોઝવે પાણીમાં ગરક થઇ ગયા છે. મહિસાગરમાં પણ ધોધમાર વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવ્યા છે. ભારે વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમમાં 72,756 ક્યુસેક પાણીની આવક  થઇ છે, તો ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના 5 ગેટ 5 ફૂટ ખોલીને 68,529 ક્યુસેક છોડવામાં આવી રહ્યુ ં છે.કડાણા ડેમમાંથી પાણી છોડાતા વણાકબોરી ડેમ ભરાયો છે. વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઉપરથી 7 ફૂટ પાણી મહીમાં વહી રહ્યુ ંછે. ડેમની સપાટી 228 ફૂટ સુધી પહોંચી છે. જને પગલે બાલાસિનોરની નજીકના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 
અરવલ્લીમાં પડેલા વરસાદ બાદ શામળાજીના મોટા કંથારીયા પાસે નાદરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. રાજસ્થાન તરફથી તેજ પાણીનો પ્રવાહ આવતા નદી પરનો કોઝવે ફરી ધોવાઇ ગયો છે. જ્યારે ભિલોડાના વાઘેશ્વરી પાસેનો કોઝવે પણ ધોવાયો છે. વાઘેશ્વરીકંપા, કણજીદરા ગામોને જોડતા કોઝવેમાં ભાગાણ પડતા ભિલોડા સાથે ચાર ગામનો સંપર્ક કપાયો છે. તો બીજી તરફ ઉપરવાસમાં સારો વરસાદ થતાં અમદાવાદમાં વાસણા બેરેજમાં પાણીનું સ્તર 132 ફૂટ થતાં એક દરવાજો ખોલાયો છે. સાબરમતીમાં 489 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જ્યારે ફત્તેહવાડી કેનાલમાં 551 ક્યુસેક પાણી છોડાયું છે. અમદાવાદમાં માપનો વરસાદ થતા ડાંગરના પાકની જરૂરિયાત અને ખેડૂતોની માંગણી ધ્યાનમાં રાખીને બે મહિના પાણી છોડવાનું ચાલુ રાખવું પડશે તેમ સ્થાનિક ખેડૂતોનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યોછે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 87.91 ટકા વરસાદ થયો છે.  રાજ્યમાં ચોમાસાને વિદાયના હજુ 45 દિવસ બાકી છે ત્યારે આ વર્ષે રાજ્યમાં 100 ટકા વરસાદ પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer