માલેગાંવથી સુરત જતી બસમાં બૉમ્બની અફવા

માલેગાંવથી સુરત જતી બસમાં બૉમ્બની અફવા
અમારા પ્રતિનિધિ તરફથી
મનમાડ, તા. 17 : માલેગાંવથી સુરત જતી લક્ઝરી બસમાં બૉમ્બ મુકાયો હોવાનો એક નનામી ફોન આવતા પોલીસની દોડધામ મચી ગઈ હતી. શુક્રવારે બસ ઊપડવાની તૈયારીમાં હતી ત્યારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આ ફોન આવ્યો હતો. આ બસ સના ટ્રાવેલ્સની હતી અને આ નનામો ફોન સના ટ્રાવેલ્સની અૉફિસમાં આવ્યો હતો. ફોન કરનારે બસમાં બૉમ્બ હોવાનું જણાવ્યું હતું.
સના ટ્રાવેલ્સના મૅનેજમેન્ટે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે બસમાંના પ્રવાસીઓનો તમામ સામાન બહાર કઢાવ્યો હતો અને બૉમ્બ ડિઝપોઝલ સ્કવોડે તપાસ પણ કરી હતી, પરંતુ કંઈ સંશયાસ્પદ મળ્યું નહોતું. પોલીસે અૉલ ક્લિયરનું સિગ્નલ આપતા પ્રવાસીઓના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો. રાત્રે 11 વાગ્યે ઊપડનારી આ બસ મધરાત બાદ બે વાગ્યે ઊપડી હતી.
સના ટ્રાવેલ્સની બીજી બસ માલેગાંવથી આવતી હોવાની જાણ થતા આ બસ અટકાવવામાં આવી હતી. આ બસ સોનગઢ (ગુજરાત) પરિસરમાં હતી અને તપાસ કરાઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer