દવાઓના અૉનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગણી

દવાઓના અૉનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગણી
મુંબઈ, તા. 17 : ઈન્ડિયન ફાર્માસ્યુટિકલ ઍસોસિયેશન (આઈપીએ)એ દવાઓના અનિયંત્રિત અૉનલાઈન વેચાણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, આવું અૉનલાઈન વેચાણ ચાલુ રહેશે તો તે ભારે નુકસાનકારક સાબિત થશે.
14 અૉગસ્ટના ડ્રગ્સ કંટ્રોલર જનરલ અૉફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)ને નવેસરથી અપીલ કરતાં આઈપીએના જનરલ સેક્રેટરી સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે, દવાઓનું અૉનલાઈન વેચાણ અન્ય એફએમસીજી ચીજો જેવું થઈ ગયું છે જેમાં જાહેરાતો દ્વારા ભારે ડિસ્કાઉન્ટની અૉફર કરવામાં આવે છે.
સૌથી મોટું ચિંતાનું કારણ એ છે કે, દવાઓના અૉનલાઈન વેચાણનું નિયમન કરે એવા કાયદાનો અભાવ છે, કારણ કે કેન્દ્ર સરકારે આ સંબંધમાં કોઈ આખરી નિયમો બહાર પાડયા નથી.  પ્રિક્રિપ્શન વગર પોતાની રીતે દવાઓ મગાવવાનું વલણ વધી રહ્યું છે. આ ઉપરાંત પ્રિક્રિપ્શનની કાયદેસરતાની ચકાસણી કરવી મુશ્કેલ હોવાથી દવાઓના દુરુપયોગની પણ શક્યતા વધી જાય છે. આ ઉપરાંત સ્લીપિંગ પીલ્સ અને એમટીપી (ગર્ભપાત) માટેની દવાઓના અૉનલાઈન વેચાણથી તેનો ગેરઉપયોગ થવાની સંભાવના વધી જતી હોય છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
દવાઓના અૉનલાઈન વેચાણથી ફાર્મસી વ્યવસાયની નીતિમત્તાને નુકસાન પહોંચશે.
આઈપીએએ જાહેર આરોગ્યનાં હિતના દવાઓના અૉનલાઈન વેચાણ પર તત્કાળ પ્રતિબંધ મૂકવાનો ડીસીજીઆઈને અનુરોધ કર્યો હતો. આઈપીએએ અગાઉ પણ દવાઓના અૉનલાઈન વેચાણના ખતરા સામે લાલ બત્તી ધરી હતી. જોકે નેટમેડ્સ.કોમના સ્થાપક અને સીઈઓ પ્રદીપ દધાએ જણાવ્યું હતું કે, કોર્ટે અમને અૉનલાઈન દવાઓ વેચવાની પરવાનગી આપી છે અને બૉમ્બે હાઈ કોર્ટે આ સંબંધમાં જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. સંપૂર્ણ લાઇસન્સ ધરાવતી ફાર્મસી તરીકે નેટમેડ્સ ડ્રગ્સ ઍન્ડ કોસ્મેટિક્સ ઍક્ટના તમામ નિયમોનું પાલન કરે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer