કૃષિ પેદાશની ઉત્પાદકતા, માર્કેટિંગ અને નિકાસ ઉપર ભાર ફડણવીસ

કૃષિ પેદાશની ઉત્પાદકતા, માર્કેટિંગ અને નિકાસ ઉપર ભાર ફડણવીસ
`આવશ્યક ચીજવસ્તુ ધારો માત્ર કટોકટીના સંજોગો માટે જ'

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા, માર્કેટિંગ અને કૃષિપેદાશોની નિકાસ જેવા મુદ્દા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચાધિકાર સમિતિ અંતિમ અહેવાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કરશે એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું છે.
દેશમાં કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન માટે નીમવામાં આવેલી ઉચ્ચાધિકાર સમિતિની બેઠક શુક્રવારે મુંબઈમાં મળી હતી. તે બેઠક બાદ ફડણવીસે જણાવ્યું હતું કે બેઠકમાં બજાર સમિતિના કાયદામાં સુધારણા, કરાર ખેતી, કૃષિ ક્ષેત્રમાં નવી ટેક્નૉલૉજી, જીવનજરૂરી ચીજોના કાયદામાંથી કૃષિ ઉત્પાદનોને બાકાત રાખવા, ઇ-નામ અને કૃષિનિકાસ જેવા મુદ્દા વિશે ચર્ચા થઈ હતી. આ મુદ્દે આગામી સપ્તાહમાં બધાં રાજ્યો પોતાનાં સૂચનો આપશે. ત્યાર પછીના પખવાડિયામાં નીતિ આયોગ અને બધાં રાજ્યોના કૃષિ સચિવોની બેઠક યોજાશે. ત્યાર પછી સમિતિનો અહેવાલ વડા પ્રધાનને સુપરત કરાશે એમ ફડણવીસે ઉમેર્યું હતું.
નીતિ આયોગ દ્વારા ગઈકાલે સૂચન કરવામાં આવ્યું હતું કે ભાવો જ્યારે 50 ટકા કરતાં પ્રમાણમાં વધે ત્યારે આવશ્યક ચીજવસ્તુ ધારો લાગુ પાડવો જોઈએ.
મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે દુકાળ કે યુદ્ધ જેવા સંજોગોમાં જ આ કાયદો લાગુ પાડવામાં આવવો જોઈએ. આ ધારા અંગે એકંદરે સર્વસંમતિ પ્રવર્તે છે. અમે કાયદો રદ નહીં કરીએ. કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલી કલમો જે વિવિધ પેદાશોના ભાવ ઉપર અસર કરે છે તે યથાવત્ રહેવી જોઈએ એમ ફડણવીસે ઉમેર્યું હતું. આવશ્યક ચીજવસ્તુઓ ધારો માલની સંગ્રહખોરી અને સંગ્રહની મર્યાદા સંબંધી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer