સોના માટે સ્પોટ એક્સ્ચેન્જ સ્થાપવાની યોજના

સોના માટે સ્પોટ એક્સ્ચેન્જ સ્થાપવાની યોજના
નવી દિલ્હી, તા. 17 : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યૂજીસી) અને બાર બૅન્કો, આઠ વિદેશી સંસ્થાઓ અને વેપાર સંગઠનોએ દેશમાં સોનાના વેપાર માટે સ્પોટ એક્ષ્ચેન્જ સ્થાપવાનું સૂચન કર્યું છે અને એ વિશેનો વિગતવાર અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કર્યો છે. સરકાર આ અહેવાલનો સ્વીકાર કરશે ત્યારે તે ઉદ્યોગના બધા હિતધારકોને વિચારવિમર્શ માટે આમંત્રણ આપશે.
એક્ષ્ચેન્જ સુવર્ણ ઉદ્યોગના તમામ હિતધારકો - ઝવેરીઓ, સોનાચાંદીના વેપારીઓ, સોનાની રિફાઇનરીઓ અને ગ્રાહકોને એક મંચ પર લાવવાનો છે.
અગાઉ કેન્દ્ર સરકારે કિંમતી ધાતુઓ માટે એક બોર્ડ નીમવાનો નિર્ણય લીધો હતો. જો કે, હજી સુધી તેને સત્તાવાર સ્વરૂપ અપાયું નથી. આ બોર્ડ સ્થપાઈ જાય તો તે સ્પોટ એક્ષ્ચેન્જના માળખા વિશે નિર્ણય લઈ શકશે અને હિતધારકોને તેમાં શૅરહોલ્ડિંગ ધરાવવા માટે આમંત્રણ આપી શકશે.
`સ્પોટ એક્ષ્ચેન્જની સ્થાપનાથી સોનાચાંદીના પારદર્શક અને વિશ્વાસપાત્ર વેપાર માટે મંચ ઉપલબ્ધ થશે. ભારત સોનાચાંદીના વેપારમાં માળખાગત પરિવર્તન આણવા અને વિશ્વના વેપારનું કેન્દ્ર બનવા સજ્જ છે,' એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની ભારતીય શાખાના મેનેજિંગ ડિરેક્ટર ઓમ સુંદરમ પી આરે કહ્યું હતું.
નાણામંત્રાલયને અપાયેલા અહેવાલ અનુસાર બૅન્કોને એક્ષ્ચેન્જમાં સોનું ખરીદવાની અને વેચવાની, પ્રવાહિતા જાળવવાની અને ભાવની વધઘટનું જોખમ નિવારવા ડેરિવેટિવ્ઝની લેવેચ કરવાની છૂટ હોવી જોઇએ. તેમાં એવું પણ સૂચન કરાયું છે કે બૅન્કોને ક્લિયરિંગ એજન્સીઓ તરીકે પણ કામ કરવા દેવાય. આ બધાં સૂચનોનો અમલ કરવો હોય તો બૅન્કિંગ નિયમન ધારામાં ફેરફાર કરવો પડે. હાલ બૅન્કો માત્ર સોનું વેચી શકે છે, પાછું ખરીદી શકતી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer