વીજળીની રફ્તારે દોડતો મધ્યપ્રદેશનો રામેશ્વર

વીજળીની રફ્તારે દોડતો મધ્યપ્રદેશનો રામેશ્વર
શિવરાજ સિંહે વીડિયો શેર કરતા ખેલપ્રધાને રિજિજૂએ કહ્યું, એથ્લિટને મારી પાસે મોકલાવો
નવી દિલ્હી, તા. 17 :  સામાન્ય રીતે 100 મીટર દોડની વાત કરવામાં આવે તો સૌથી પહેલું ઉસેન બોલ્ટનું જ નામ મગજમાં આવે છે. પરંતુ ભારતમાં પણ એક બોલ્ટ છે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મધ્ય પ્રદેશના શિવપુરીના યુવા દોડવીર રામેશ્વરની 100 મીટર દોડનો વીડિયો સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દાવો છે કે રામેશ્વર 11 સેકન્ડમાં 100 મીટર દોડી શકે છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રામેશ્વરનો વીડિયો શેર કરતા કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂએ દોડવીરને પોતાની પાસે મોકલવાની અપીલ કરી હતી. કેન્દ્રીય ખેલ મંત્રીના આશ્વાસન બાદ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ રામેશ્વરને ભોપાલ સ્થિત  કેન્દ્રમાં પહોંચવા માટે કહ્યું હતું. 
શિવરાજ સિંહે યુવા દોડવીર રામેશ્વરનો વીડિયો ટ્વીટર હેન્ડલ ઉપરથી શેર કરતા કહ્યું હતું કે ભારત આવા વ્યક્તિત્વનો માલિક છે. જો આ વ્યક્તિને યોગ્ય તક અને મંચ મળે તો  નિશ્ચિત રૂપે નવો ઈતિહાસ રચતા જોવા મળશે. સોશિયલ મીડિયામાં શિવરાજ સિંહે શેર કરેલો વીડિયો જોઈને ખેલ મંત્રી કિરણ રિજિજૂએ પણ રામેશ્વરને ટેકો આપ્યો હતો. શિવરાજે કહ્યું હતું કે, તેઓ કિરણ રિજિજૂને અપીલ કરે છે કે આ એથ્લિટની પ્રતિભા નિખારવામાં મદદ કરે. વીડિયોમાં રામેશ્વર ખુલા પગે દોડતો જોવા મળી રહ્યો છે. તેમજ 100 મિટરનું ચિન્હ પણ જોવા મળી રહ્યું છે જેને માત્ર 11 સેકન્ડમાં પાર પાડયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખેલ મંત્રી કિરણ રિજિજૂએ દોડવીરને મદદ કરવાની ખાતરી આપી હતી. રિજિજૂએ ટ્વીટમાં લખ્યું હતું કે કોઈને કહીને દોડવીરને મારી પાસે લાવો હું તેને એથ્લેટિક એકેડમીમાં પ્રવેશની પુરી વ્યવસ્થા કરીશ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer