અૉલિમ્પિક ટેસ્ટ ઈવેન્ટમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું

અૉલિમ્પિક ટેસ્ટ ઈવેન્ટમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું
ગુરજીતે બે ગોલ કર્યા : હવે અૉસ્ટ્રેલિયા સામે મુકાબલો

ટોક્યો, તા. 17 : ભારતીય મહિલા હોકી ટીમે શનિવારે ઓલિમ્પિક ટેસ્ટ ઈવેન્ટની શાનદાર શરૂઆત કરતા પહેલા મેચમાં જાપાનને 2-1થી પછાડયું હતું. ભારતે ઓઈ હોકી સ્ટેડિયમમાં રમાયેલા પડકારજનક મુકાબલામાં યજમાન ટીમને 2-1થી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. ભારત તરફથી ડિફેન્ડર ગુરજીતે બન્ને ગોલ કર્યા હતા. જ્યારે જાપાન તરફથી એકમાત્ર ગોલ ઈમી નિશિખોરીએ કર્યો હતો. હવે રવિવારે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. 
ભારતીય ટીમે મેચની દમદાર શરૂઆત કરી અને પહેલી જ મિનિટથી આક્રમક રમત બતાવી હતી. જેનું પરિણામ પણ પહેલા જ ક્વાર્ટરમાં મળ્યું હતું. ભારત તરફથી 9મી મિનિટે ગુરજીતે ગોલ કરીને પોતાની ટીમને સરસાઈ અપાવી હતી. જો કે આ સરસાઈ લાંબા સમય સુધી ટકી નહોતી અને બીજા ક્વાર્ટરની શરૂઆતમાં  જાપાન તરફથી ઈમી નિશિખોરીએ બરાબરીનો ગોલ કર્યો હતો. ત્યારબાદ બન્ને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ત્રીજા ક્વાર્ટરમાં ભારતને વધુ એક મોકો મળ્યો હતો અને તેનો લાભ ઉઠાવતા ગુરજીતે શાનદાર ગોલ કરીને ટીમને ફરી સરસાઈ અપાવી હતી. અંતિમ ક્વાર્ટરમાં જાપાને ખૂબ મહેનત કરી હતી જો કે ભારતીય ટીમના ડિફેન્સે જાપાનને એક પણ મોકો આપ્યો નહોતો અને ભારતીય ટીમની જીત થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer