સાઉધીએ ટેસ્ટમાં છગ્ગા ફટકારવામાં સચીનની બરાબરી કરી

સાઉધીએ ટેસ્ટમાં છગ્ગા ફટકારવામાં સચીનની બરાબરી કરી
માત્ર 69 ટેસ્ટમાં 69 છગ્ગા ફટકાર્યા : સચીને 200 ટેસ્ટમાં મેળવી હતી ઉપલબ્ધી

નવી દિલ્હી, તા. 17 : ક્રિકેટના મેદાનમાં દુનિયાના મહાન બેટ્સમેનમાંથી એક સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરવીએ કોઈપણ બેટ્સમેનનું સપનું હોય છે. પરંતુ આધુનિક ક્રિકેટની ઝડપ ખૂબ વધુ છે અને ક્રિકેટર ઝડપથી જૂના વિક્રમો તોડી રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં આવી જ એક ઉપલબ્ધી ન્યૂઝિલેન્ડના ઓલ રાઉન્ડર ટીમ સાઉધીએ પોતાના નામે કરી છે. સાઉધીએ શ્રીલંકામાં રમાઈ રહેલા ટેસ્ટમાં છગ્ગો ફટકારતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં છગ્ગા ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી હતી. 
હવે સચિન અને સાઉધીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 69-69 છગ્ગા છે. સચિનના રેકોર્ડની બરાબરી સાઉધીએ 69મા ટેસ્ટની 96મી ઈનિંગમાં કરી હતી. જો સચિનની વાત કરવામાં આવે તો તેણે ઉપલબ્ધી 200 ટેસ્ટમાં મેળવી હતી. સાઉધી પહેલા પૂર્વ ક્રિકેટર ડિવિલિયર્સ, સનથ જયસુર્યા અને ઈયાન બોથમ રેકોર્ડ તોડી ચુક્યા છે. સાઉધીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 1550 રન છે. જેમાં 77 નોટઆઉટ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. સાઉધીએ ટેસ્ટમાં 244 વિકેટ પણ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક છગ્ગાનો રેકોર્ડ બ્રેન્ડન મેક્કુલમના નામે છે. મેક્કુલમે ટેસ્ટ કારકિર્દીમાં 107 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે ભારતીય ક્રિકેટમાં વિરેન્દ્ર સહેવાગે સૌથી વધુ 91 છગ્ગા ફટકાર્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer