પૂરગ્રસ્તોને બદલે ભળતાં જ લોકોને સરકારી મદદ મળી રહી છે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્રમાં આવેલા મહાપૂરને કારણે અસર પામેલા પૂરગ્રસ્તોને આર્થિક મદદ આપવાને બદલે તે અન્ય લોકોને આપવામાં આવી રહી હોવાનુ ધ્યાનમાં આવ્યું છે. તેના કારણે પૂરગ્રસ્તોને આર્થિક સહાય વહેચવાની બાબતે વાદવિવાદ થયો હતો. કોલ્હાપુરમાં શિરોળ તાલુકાના નવે દાનવાડ ગામમાં જોરદાર મારામારી થઈ હતી. પૂરથી નુકસાન થયું હોય એવા પરિવારોની અવગણના કરાતા તેઓની નારાજગી તીવ્ર બની હતી અને તેનું રૂપાંતર મારામારીમાં થયું હતું.
પૂરગ્રસ્તો માટે સરકારની આર્થિક મદદ આવી પણ ગામ સ્તરે તલાટી અને ગ્રામસેવકોને સાથે રાખીને તેની રકમ બીજાના ખિસ્સામાં સેરવી દેવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કોલ્હાપુર અને સાંગલીના મહાપૂર પછી અસરગ્રસ્તોને મદદ માટે લાખો હાથ આગળ આવ્યા છે. આ સહાય આપવાનું કામ ચાલુ છે ત્યારે તે મદદ લૂંટી લેવાના બનાવો ધ્યાનમાં આવ્યા છે. કોલ્હાપુરના હાત કણંગલે તાલુકામાં રાંગોળી ગામમાંનો આ બનાવ બહાર આવ્યો છે.
શિરોળ તાલુકાના જૂને દાનવાડ ગામમાં મારામારી થઈ હતી. સાચા પૂરગ્રસ્તોના નામો બાજુએ રાખીને અન્યોને સરકારની આર્થિક મદદ આપવામાં આવતા ગ્રામવાસીઓ નારાજ થયા હતા. રેશનની દુકાનનો પરવાનો ધરાવતા અને સંસ્થાના સેક્રેટરી પ્રકાશ તિપન્નવારના ઘરે પૂરગ્રસ્તોનું ટોળું પહોંચ્યુ હતું. તિપન્નવારના કહેવાથી તલાટીએ પૂરગ્રસ્તોની યાદી બનાવવામાં આવી હોવાનો આરોપ ગ્રામવાસીઓએ ર્ક્યો હતો. તે બાબતે ગ્રામવાસીઓ અને તિપન્નવાર પરિવાર વચ્ચે જોરદાર મારામારી થઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer