ક્રૂઝ વેડિંગ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે

40 લાખથી એક કરોડ સુધીનો ખર્ચ

મુંબઈ, તા. 17 : શાંત સમુદ્ર વચ્ચે અને અનંત આકાશની સાક્ષીએ ક્રૂઝના ડેક પર લગ્ન થતા હોય તે હવે ફક્ત ફિલ્મોમાં નહીં પણ વાસ્તવિક જીવનમાં પણ શક્ય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં `ડેસ્ટિનેશન વેડિંગ'ની સંકલ્પના લોકપ્રિય થઈ. હવે `ક્રૂઝ વેડિંગ' નો ક્રેઝ પણ દિવસોદિવસ વધી રહ્યો છે. યજમાન 40 લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવા તૈયાર હોય તો ક્રૂઝ વેડિંગ શક્ય છે. 
ક્રૂઝ પર 1500થી 2000 વ્યક્તિઓ સમાઈ શકે તેટલી સુવિધા હોય છે. સંપૂર્ણ ક્રૂઝ ભાડા પર લઈને 100થી 300 આમંત્રિત મહેમાનો સમાવી શકાય છે અને ક્રૂઝ કંપનીઓએ વેડિંગ પેકેજ તૈયાર કર્યા છે. 
ક્રૂઝના એક અધિકારીએ કહ્યું હતું કે, યજમાને મહેમાનો તરફ ધ્યાન આપવાની જરૂર નથી પડતી. કારણકે ક્રૂઝ મૅનેજમેન્ટ બધી જ જવાબદારી સંભાળી લે છે. વિવિધ કાર્યક્રમોનું આયોજન અને સંભાળ માટે ક્રૂઝ મૅનેજમેન્ટ હોય છે એટલે યજમાન વિધિઓ પર ધ્યાન આપી શકે છે. 
છેલ્લાં બે વર્ષમાં કોસ્ટા ક્રૂઝ પર સાત ભારતીય લગ્ન સંભારભ યોજાયા હતા. જ્યારે ત્રણ વર્ષ પહેલા આખી ક્રૂઝ ભાડે લઈને પરદેશમાં લગ્ન સમારંભ યોજાયા હતા. રૉયલ કેરેબિયન ક્રૂઝ પર ત્રણ વર્ષમાં છ સમારંભ યોજાયા હતા. ક્રૂઝ કંપનીના પ્રતિનિધિનું કહેવું છે કે, ક્રૂઝ વેડિંગ બહુ ખર્ચાળ હોય છે તે માન્યતા ખોટી છે. ક્રૂઝમાં એક જ સમયે અનેક વસ્તુનો આનંદ મળે છે અને હટકે સમારંભ પણ થાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer