1000 ગણેશ મંડળોને હજી પ્રતીક્ષા છે પરવાનગીની

મુંબઈ, તા. 17 : ગણેશોત્સવને હવે 15 દિવસ જ બાકી છે ત્યારે મુંબઈમાં રસ્તા, ફુટપાથ અને સાર્વજનિક સ્થળોએ મંડપ બાંધીને ગણેશોત્સવ ઊજવતા 1004 મંડળોને હજી સુધી મંડપ બાંધવાની પરવાનગી નથી મળી. ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની પ્રક્રિયા હજી પૂર્ણ ન થઈ હોવાથી મંડળોને હજી સુધી પરવાનગી નથી મળી. તેમ જ 181 મંડળોની અરજીમાં ખામી હોવાથી તેમને મંડપની પરવાનગી ન આપતા ફરીથી અરજી કરવાની તક આપી છે. 
મુંબઈમાં અનેક સ્થળે રસ્તા, ફુટપાથ અને સાર્વજનિક સ્થળોએ મંડપ બાંધીને ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મંડપોને કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડે છે. એટલે રસ્તા અને ફુટપાથ પરના મંડળોને મંડપ બાંધવાની પરવાનગી ન આપવી તેવો આદેશ હાઈ કોર્ટે આપ્યો હતો અને પાલિકાને આ બાબતે ધોરણો બનાવવાનું પણ કહ્યું હતું. ત્યારબાદ અગ્નિશમન દળના બંબા, ઍમ્બ્યુલન્સ જઈ શકે અને વાહનો અને રાહદારીઓને તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને મંડપ બાંધવાની પરવાનગી આપવાની શરત પાલિકાએ બનાવી હતી. મંડળના કાર્યકર્તાઓએ પાલિકા અૉફિસ, સ્થાનિક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસના ધક્કા ન ખાવા પડે તે માટે પાલિકાએ ઓનલાઈન પરવાનગી આપવાનું શરૂ કર્યું હતું. 
આ વર્ષે મંડપ બાંધવા માટે પાલિકા પાસે ઓનલાઈન 2620 અરજી આવી હતી. તેમાંથી 422 મંડળોએ બેવાર અરજી કરી હતી. એટલે 2198 અરજીઓની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 1005 મંડળોને મંડપની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ 181 મંડળોની અરજીમાં ખામી હોવાથી તેમને ફરીથી અરજી કરવાની તક આપવામાં આવી છે. બાકીના 1004 મંડળોને પરવાનગી આપવાની પ્રક્રિયા હજી ચાલુ છે. કેટલીક અરજીઓને સ્થાનિક પોલીસ તરફથી તો કેટલીક અરજીઓને ટ્રાફિક પોલીસ તરફથી `નો અૉબ્જેક્શન' સર્ટિફિકેટ મળ્યું ન હોવાથી પાલિકાએ મંડળોને પરવાનગી નથી આપી. 
ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છે ને પરવાનગી ન મળી હોવાથી મંડળો મૂંઝવણમાં છે, પરંતુ કેટલાક મંડળોને પરવાનગી ન મળી હોવા છતાં નિયમ મુજબ મંડપ બાંધવાનું કામ શરૂ કર્યું છે પણ જો પાલિકા પરવાનગી ન આપે તો શું કરવું તેવો પ્રશ્ન મંડળના અધિકારીઓને સતાવી રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer