પાકિસ્તાની સેનાએ કાશ્મીરમાં ફરી કર્યો ગોળીબાર એક જવાન શહીદ

રાજૌરીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની એક ચોકી ઉડાવી દીધી

નવી દિલ્હી, તા. 17 : કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાં કલમ-370 નિષ્પ્રભાવી બનાવાયા સહિતના કદમોથી ઊંચા-નીચા થઈ ગયેલા પાકિસ્તાને સીમાપારથી સતત ગોળીબારી જારી રાખી છે. આજે પણ જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરતાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. જવાબમાં ભારતીય સેનાએ રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાનની એક ચોકી ઊડાવી નાખી હતી.
સૈન્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી શત્રવિરામ ભંગની હરકત બાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સેનાએ રાજૌરીમાં પાકિસ્તાનની એક ચોકીને ધ્વસ્ત કરી હતી. 
પાકિસ્તાની સેનાએ આજે સવારે સાડા છ વાગ્યે નિયંત્રણ રેખા (એલઓસી) પર ગોળીબાર કર્યો હતો અને મોર્ટાર દાગ્યા હતા જેનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. જો કે આ દરમ્યાન ભારતીય બાજુએ એક જવાન શહીદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામ ભંગનું પ્રમાણ વધારી નાખ્યું છે. 15 ઓગસ્ટના પણ જમ્મુ-કાશ્મીરના પૂંચના કેજી સેક્ટરમાં પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. આ સિવાય ઉરી અને રાજૌરીમાં પણ પાકિસ્તાન શત્રવિરામનો ભંગ કરી ચૂક્યું છે. આ ઘટનામાં તેના ત્રણ જવાન માર્યા ગયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer