અમદાવાદમાં નકલી એચ.એસ.આર.પી. નંબર પ્લેટનો પર્દાફાશ

મુંબઇમાં બનતી હોવાનું ખુલ્યું : આરોપી ગોરેગામમાંથી પકડાયો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.17: અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાંથી નકલી એચ.એસ.આર.પી. નંબર પ્લેટ બનાવવાના કૌભાડનો પર્દાફાશ થયો છે. આ નકલી એચ.એસ.આર.પી. નંબર પ્લેટ મુંબઇમાં બનતી હોવાનું ખુલ્યું છે. જેથી પોલીસે તપાસ મુંબઇ સુધી લંબાવીને ગોરેગામથી એક આરોપીને ઝડપી લેતા તેની પાસેથી અનેક નકલી નંબરપ્લેટ મળી આવી હોવાનું ખુલ્યું છે. નકલી નંબર પ્લેટ મુંબઇથી બનાવીને ગુજરાતમાં સપ્લાય કરવામાં આવતી હતી. પોલીસે આરોપીના  રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે તેમજ આ કૌભાંડમાં અન્ય કોઇ આરોપી સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં આ પ્રકરણમાં નવા ખુલાસા થવાની શક્યતા છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, રામોલ પોલીસે ગઇકાલે વત્રાલ ચાર રસ્તા પાસેથી કિરણ ગલ્સર નામના શખ્સની 32 જેટલી નકલી એચ.એસ.આર.પી. નંબર પ્લેટ ઝડપી હતી. જેની પૂછપરછમાં મુંબઇથી આ નંબરપ્લેટો લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. રામોલ પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવી મુંબઇ ખાતે તપાસ અર્થે મોકલી હતી. જેમાં ગોરેગાવ વિસ્તારમાં આ નંબરપ્લેટ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે તપાસ આરંભીને નંબરપ્લેટ બનાવનાર શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી નંબરપ્લેટ બનાવવાનો સામાન કબ્જે કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત આરટીઓની અનેક એચ.એસ.આર.પી. નંબર પ્લેટો મળી આવી હતી. આરોપી નકલી એચ.એસ.આર.પી. નંબર પ્લેટ બનાવી ગુજરાતમાં સપ્લાય કરતો હતો. 
આરટીઓની બોગસ રસીદ કૌભાંડનો પણ પર્દાફાશ
અમદાવાદ પોલીસે ડિટેન કરેલા વાહનોને છોડાવવા માટે આરટીઓની બોગસ રસીદ આપી છેતરપીંડીના કૌભાંડનો પણ પર્દાફાશ કર્યો છે. આરટીઓ એજન્ટ દ્વારા એક રીક્ષા ચાલકને રૂા.5800નો દંડ વસૂલ અને ખોટા ડોક્યુમેન્ટ આપી રીક્ષા છોડાવી હોવાનું સામે આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો આરટીઓ એજન્ટ ગુલઝાર અહેમત ઉર્ફે સમીર અબ્દૂલ હમિદ અંસારી ડિટેન મેમા મેળવી અને આરટીઓની ખોટી રસીદો આપતો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer