નબળી માગને પગલે કૃષિ પેદાશોની નિકાસ ઘટી

બેંગલુરુ, તા. 17 : આ નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં બાસમતી ચોખા અને ગુવારગમ સહિતનાં મોટા ભાગનાં કૃષિ ઉત્પાદનોની નબળી માગ અને નીચા ભાવને કારણે નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, પ્રોસેસ કરેલાં શાકભાજી અને ફળો જેવી કેટલીક શ્રેણીમાં નિકાસ વધી છે.
એપેડાના આંકડા મુજબ એપ્રિલથી જૂન, 2019 દરમિયાન કુલ નિકાસ આશરે 14 ટકા ઘટીને 4.157 અબજ ડૉલર નોંધાઈ છે, જે પાછલા વર્ષના સમાનગાળા દરમિયાન 4.829 અબજ ડૉલર હતી. રૂપિયાના મૂલ્યની દૃષ્ટિએ કુલ નિકાસ રૂા. 32,341 કરોડથી ઘટીને રૂા. 28,910 કરોડ થઈ છે.
કૃષિ પેદાશોની નિકાસમાં સૌથી મોખરે રહેનારા બાસમતી ચોખા જૂન ત્રિમાસિકમાં કુલ નિકાસમાં 30 ટકા હિસ્સો ધરાવતા હતા, જેમાં નીચા વોલ્યુમને કારણે ડૉલરની દૃષ્ટિએ 2.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બાસમતી ચોખાનો ટનદીઠ ભાવ રૂા. 1095 ડૉલરથી ઘટીને 1085 ડૉલર થતાં વળતર પણ ઘટયું છે. જોકે, રૂપિયાની દૃષ્ટિએ બાસમતી ચોખાની નિકાસમાં 1.3 ટકાનો વધારો (રૂા. 8610 કરોડથી વધીને રૂા. 8728 કરોડ) જોવા મળે છે. ડૉલર સામે રૂપિયાના અવમૂલ્યનને કારણે આ તફાવત નોંધાયો છે.
બાસમતી સિવાયના ચોખાના મુખ્ય બજાર આફ્રિકાને કરવામાં આવતી નિકાસ માટે ચીન, વિયેતનામ અને થાઈલૅન્ડ જેવા સ્પર્ધકો સાથે ગળાકાપ સ્પર્ધાને પરિણામે તેની નિકાસ 21 લાખ ટનથી 43 ટકા ઘટીને 11.94 લાખ ટન નોંધાઈ છે. ડૉલરના મૂલ્યમાં આ ઘટાડો 46 ટકા અને રૂપિયાના મૂલ્યમાં 44 ટકાનો છે. જૂન ત્રિમાસિકમાં કૃષિ પેદાશોની કુલ નિકાસમાં બાસમતી સિવાયના ચોખાનો હિસ્સો લગભગ 12 ટકાનો છે.
તાજાં ફળો, તાજાં શાકભાજી, કઠોળ, ડેરી ઉત્પાદનો, ગુવારગમ અને ઘઉં જેવાં અન્ય ઉત્પાદનોની નિકાસ પણ ઘટી છે. જોકે, પ્રોસેસ કરેલાં શાકભાજી, ફળો, કોકો આધારિત ઉત્પાદનોની નિકાસ વધી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer