ઓછી માગને કારણે સ્ટીલ ક્ષેત્રના ફંડામેન્ટલ્સ નબળાં પડવાની શક્યતા

કોલકાતા, તા. 17 : નાણાકીય વર્ષ 2019-'20માં સ્ટીલ સેકટરના ફંડામેન્ટલ્સ નબળા પડવાની સંભાવના છે, કારણ કે સ્ટીલની માગ ઓછી છે. ભાવ ઘટયા છે, જ્યારે ઈનપુટ ખર્ચમાં વધારો થયો છે.
આમ તો સરકારે પોષાણક્ષમ હાઉસિંગ અને માળખાગત ક્ષેત્ર માટે શરૂ કરેલા કેટલાક પ્રોજેકટને લીધે સ્ટીલની માગ વધવાની અપેક્ષા હોવા છતાં અૉટો ક્ષેત્રમાંથી સ્ટીલની માગ ઘટવાને કારણે ડોમેસ્ટિક સ્ટીલ કંપનીઓ પર અસર પડશે એમ ઈન્ડિયા રેટિંગ્સ ઍન્ડ રિસર્ચના સ્ટીલ ઉદ્યોગના અહેવાલમાં જણાવ્યું હતું.
ભાવમાં ઘટાડો, કાચા માલના ભાવમાં વધારો તથા નબળી માગ જેવાં કારણોસર 2019-'20માં સ્ટીલ સેન્ટરના ફંડામેન્ટલ્સ નબળાં પડવાની સંભાવના છે. જોકે, આ પરિબળોની અસર સાનુકૂળ ડિમાન્ડ-સપ્લાય બેલેન્સને કારણે આંશિક રીતે સરભર થઈ શકે છે. ઇન્ડિયા રેટિંગ્સના રિપોર્ટમાં સરકારની વિવિધ સ્કીમ્સ અને પ્રોજેકટસને કારણે એફોર્ડેબલ હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર્સમાંથી સ્ટીલની જોરદાર માગ જોવા મળે તેવી શક્યતા છે. જોકે, અૉટોમોબાઈલ સેકટર તરફથી માગ નરમ રહેશે. આ પરિસ્થિતિની વચ્ચે માર્ચ, 2020 સુધીમાં ખાણોની હરાજી પર સૌનું ધ્યાન રહેશે અને આ હરાજીમાં વિલંબ થશે તો 2020-21માં ડોમેસ્ટિક સ્ટીલ ઉત્પાદન પર અસર પડી શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer