સિન્થેટિક ટેક્સ્ટાઈલ ઉદ્યોગ નોંધનીય વૃદ્ધિ દાખવે એવી વકી

ચેન્નઈ, તા. 17 : ભારતની કુલ જીડીપીમાં મૅન મેડ ફાઈબર (એમએમએફ) ઉદ્યોગ બે ટકાનો ફાળો આપે છે અને 180 લાખ લોકોને સીધી રીતે તો 200 લાખ લોકોને આડકતરી રીતનો રોજગાર આપે છે. જે આગામી દિવસોમાં આ ટેક્નિકલ ટૅક્સ્ટાઈલ્સ નોંધનીય વૃદ્ધિતરફી `ટ્રેન્ડ' દાખવશે એવી ધારણા રખાય છે.
વિશ્વમાં રૂના વિકલ્પ તરીકે મૅન મેડ ફાઈબરની સ્વીકૃતિ વધતી જણાય છે. હાલ એમએમએફ ફાઈબરનો વૈશ્વિક વપરાશ 72:28ના રેશિયોમાં (એમએમએફ 72 ટકા અને નેચરલ ફાઈબર 28 ટકા) રહ્યો છે અને એમએમએફનો આ રીતે હિસ્સો સતત વધતો રહ્યો છે.
મૅન મેડ ફાઈબરની નિકાસ કુલ ટૅક્સ્ટાઈલ્સની નિકાસમાં 16 ટકા જેવો ફાળો આપે છે અને ભારતથી કાપડની નિકાસ 2018-'19માં 40 અબજ ડૉલરની નોંધાવી હતી. આપણે સંપૂર્ણ એમએમએફ ટૅક્સ્ટાઈલની નિકાસ કરીએ છીએ, જેમાં 60 ટકા નિકાસ મેડઅપ્સ, ફેબ્રિકસ જેવી મૂલ્યવર્ધક આઈટમોની (મેડઅપ્સ અને ફેબ્રિકસ) રહે છે.
2018-'19માં ટૅક્સ્ટાઈલ્સની કુલ નિકાસમાં 16 ટકા એમએમએફનો રહે છે. સંપૂર્ણ એમએમએફ ટૅક્સ્ટાઈલ્સની નિકાસ જેમાં ફાઈબર, યાર્ન, ફેબ્રિકસ અને મેડઅપ્સ સમાવિષ્ટ થાય છે જેની 140 દેશોમાં નિકાસ થાય છે એમ સિન્થેટિક ઍન્ડ રેયોન ટૅક્સ્ટાઈલ્સ એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું.
ભારતમાં 14,410 લાખ કિલો એમએમએફ અને 30,000 લાખ કિલોથી વધુ મૅન-મેડ ફિલામેન્ટનું વર્ષે દહાડે ઉત્પાદન થાય છે. વિશ્વમાં ભારત પોલિયેસ્ટર અને વિસ્કોસનું સૌથી વધુ ઉત્પાદન કરનાર બીજા ક્રમાંકનો દેશ ગણાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer