ભારતમાં પહેલીવાર ગુજરાત હાઇ કોર્ટમાં શરૂ થયો કોર્ટ વૉર રૂમ

નીચલી કોર્ટોની કામગીરી ઉપર રહેશે બાજ નજર

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.17:ભારતમાં પહેલીવાર ગુજરાત હાઇ કોર્ટ ખાતે કોર્ટ વૉર રૂમ ની શરૂઆત થઇ છે. હાઇ કોર્ટના કાર્યકારી ચીફ ન્યાયાધીશ અનંત દવેના હસ્તે વૉર રૂમ ને 15 અૉગસ્ટે શરૂ કરાયો છે. આ વૉર રૂમ  થકી રાજ્યની તમામ કોર્ટોનું મોનિટરિંગ હાઇ કોર્ટથી જ થઇ શકશે. દેશભરમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રયાસ હાઇ કોર્ટે હાથ ધર્યો છે. 
હાઇ કોર્ટના વૉર રૂમ માં જ રાજ્યની તમામ પેચડ્ઢંગ, પ્રોગેસિવ કેસોનો રિપોર્ટ, તેમનું સ્ટેટસ સતત અપડેટ થશે અને ઓનલાઇન તેની માહિતી વૉર રૂમ માં અપડેટ કરાશે. સાથે જ સીસીટીવી કૅમેરાની મદદથી પણ સતત કોર્ટની કામગીરી પર વોચ રાખવામાં આવશે. 
હાલ હાઇ કોર્ટમાં કુલ 1 લાખ 23 હજારથી વધુ કેસો પેંડિંગ છે જ્યારે રાજ્યની નીચલી કોર્ટોમાં તેનો આંક 16 લાખ 20 હજારથી વધુ છે. જે ડેટા પર વૉર રૂમ  સતત અપડેટ થતો રહેશે અને હાઇ કોર્ટની બાજ નજર હવે તમામ નીચલી કોર્ટોમાં થઇ રહેલી કામગીરી પર સતત રહેશે. 
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇ કોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવેએ 15 અૉગસ્ટે ગુજરાત હાઇ કોર્ટ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યુ હતું. ધ્વજવંદનના આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જજ એમઆર શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ગુજરાત હાઇ કોર્ટ ખાતે દેશમાં પ્રથમવાર કોર્ટ વૉર રૂમ ની શરૂઆત કરાઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer