અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ શહેર બેટમાં ફેરવાયું

અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ શહેર બેટમાં ફેરવાયું
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 10 : ફરી એક વખત વરસાદનું રૌદ્ર સ્વરૂપ શહેરમાં જોવા મળ્યું છે. રાતભર સમગ્ર શહેરમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન 9 ઇંચથી વધુ વરસાદ પડતાં અમદાવાદ બેટમાં ફેરવાયું હતું. અમદાવાદમાં અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના પગલે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાંચ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.
શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડાથી નારોલ વિસ્તારમાં અને પશ્ચિમ વિસ્તારમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયાં છે. શહેરના વેજલપુર, માનસી સર્કલ, પ્રહલાદનગર, આંબાવાડી, ઇન્કમ ટૅક્સ, દાણી લીમડા, નિકેલ, નરોડા અને ઓઢવ સહિતના વિસ્તારેમાં કેડસમા પાણી ભરાયાં છે. પાણી ભરાવાના કારણે અનેક વાહનચાલકોની  મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. અનારાધાર વરસાદના પગલે મણિનગર, ખોખરા હાઉસિંગ બોર્ડ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી પ્રવેશ્યાં હતાં. જ્યારે લાંબા વિસ્તારમાં 200 ફૂટ રોડ બેસી જતાં એક વાન પણ તેમાં ફસાઇ હતી.  હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. 
દરમિયાન અમદાવાદના બોપલમાં ફ્લૅટની દીવાલ ધરાશાયી થતા ચાર લોકોનાં મોત થયાં છે. જીસીએસ હૉસ્પિટલની દીવાલ ધરાશાયી થતાં અનેક વાહનો દટાયાં હતાં. ભારે વરસાદના પગલે અખબારનગર, પરિમલ, ઉસ્માનપુરા, નિર્ણયનગર સહિતના મોટા ભાગના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઇ જતાં બંધ કરવામાં આવ્યા છે. શહેરનાં અનેક વૃક્ષો અને વીજ પોલ પણ પડયાં હતાં. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ રસ્તા ઉપર પડેલાં વૃક્ષોના કારણે રસ્તાઓ જામ થઇ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.
શહેરના વોરાના રોજા, નૂતન મિલ પાસે ઝાડ પડતાં રિક્ષા અને ટેમ્પો દબાઇ ગયાં હતાં. તંત્રએ જેસીબીની મદદથી વૃક્ષો હટાવવાની કામગીરી સત્વરે હાથ ધરી રસ્તા ખુલ્લા કર્યા હતા.  બીજી તરફ ભરાયેલાં પાણીના નિકાલ માટે તંત્ર કામે લાગ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ભરાયેલાં પાણીના નિકાલ માટે 500 જેટલા હેવી ડયૂટી પંપ કામે લગાડયા છે. તંત્રે દાવો કર્યો છે કે થોડા કલાકોની અંદર ભરાયેલાં પાણીમાં ઘટાડો થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer