કેરળ, મહારાષ્ટ્ર , કર્ણાટકમાં પૂર, વરસાદથી હાહાકાર 114નાં મૃત્યુ

કેરળ, મહારાષ્ટ્ર , કર્ણાટકમાં પૂર, વરસાદથી હાહાકાર 114નાં મૃત્યુ
નવી દિલ્હી, તા. 10 (પીટીઆઈ): ભારે વરસાદ અને પૂરના કારણે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો છે. છેલ્લા 72 કલાકમાં આ ત્રણેય રાજ્યોમાં 114 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. સત્તાવાર મૂત્યુના આંકડા જારી કરવામાં આવ્યા છે. બિનસત્તાવાર રીતે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે. સેંકડો લોકો લાપતા થયેલા છે. બચાવ અને રાહત કામગીરામાં ત્રણેય રાજ્યોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમો લાગેલી છે. ભારે વરસાદ અને પૂરના કારણે કેરળમાં 42 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કેરળના વાયનાડ અને મલપ્પુરમમાં ભેખડો ધસી પડવાના બનાવોના કારણે 40થી વધારે લોકો હજુ પણ ફસાયેલા છે. 
બચાવ અને રાહત કામગીરીમાં સેના અને એનડીઆરએફની ટીમો લાગેલી છે. તમિળનાડુમાં ભારે વરસાદના કારણે પાંચ લોકોના મૃત્યુ થયા છે. મુંબઇથી પ્રાપ્ત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, પુણે અને સતારામાં ફસાયેલા 205591 લોકોને સુરક્ષિત સ્થળ પર લઇ જવામાં આવ્યા છે. કોલ્બાપુરમાં 97102 લોકોને શિફટ કરવામાં આવ્યા છે. મુંબઇને કોલ્હાપુર સાથે જોડનાર નેશનલ હાઇવે હજુ પણ બંધ હાલતમાં છે. જેના પરિણામ સ્વરૂપે ખેડ, સતારા, અને કરાડ તરફ જતા 30 હજાર ભારે વાહનોની લાઇનો લાગી ગઇ છે. આ વાહનો જુદા જુદા સ્થળ પર અટવાયા છે. પશ્ચિમી મહારાષ્ટ્રમાં 2.85 લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સાંગલીમાં નવ લોકો હજુ પણ લાપતા છે. કોલ્હાપુરમાં પણ અનેક લોકો હાલ લાપતા છે.
એકલા કેરળમાં જ ઓછામાં ઓછા 42 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. 
 કેરળના સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામા આવી છે.  
એનડીઆરએફની 13 ટીમો કેરળ પહોંચી ચુકી છે.  
જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ છે. પરિવહન સેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠપ થઇ ચુકી છે.
315 રાહત કેમ્પોમાં 22000 લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજયન દ્વારા આર્મીની મદદ લેવામાં આવી રહી છે. 
બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પોતે પણ પોતાના મતવિસ્તારમાં લોકોની મદદ માટે પહોંચી છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer