સોનિયા ગાંધી કૉંગ્રેસના વચગાળાના પ્રમુખ રાહુલનું રાજીનામું સ્વીકારાયું

સોનિયા ગાંધી કૉંગ્રેસના વચગાળાના પ્રમુખ રાહુલનું રાજીનામું સ્વીકારાયું
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 10 : કૉંગ્રેસના અધ્યક્ષપદેથી રાહુલ ગાંધીનું રાજીનામું મંજૂર રાખવા સાથે જ કૉંગ્રેસ કારોબારીની મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં સોનિયા ગાંધીને કૉંગ્રેસના વચગાળાના પ્રમુખ બનાવાયાં હતાં. મોડી રાત્રે અગિયાર વાગ્યા સુધી કૉંગ્રેસ કારોબારીમાં નવા અધ્યક્ષના વિવિધ નામો અંગે ચર્ચાવિચારણા બાદ આખરે વચગાળાના પ્રમુખપદે સોનિયા ગાંધીનું નામ નક્કી કરાયું હતું. આ સાથે જ કારોબારીની બેઠકમાં રાહુલ ગાંધીનું રાજીનામું પણ મંજૂર કરાયું હતું, એવી મોડી રાત્રે પક્ષના પ્રવકતા કે. સી. વેણુગોપાલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.
અગાઉ, કૉંગ્રેસના અધ્યક્ષની પસંદગી માટે નવી દિલ્હીમાં આજે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનો લાંબો દોર ચાલ્યો હતો. મોડી સાંજે પણ વધુ એક બેઠક મળી હતી જેમાં સૌએ એક સ્વરે રાહુલ ગાંધીનું રાજીનામું ન સ્વીકારીને તેમને જ અધ્યક્ષપદે ટકી રહેવા મનાવી લેવાનો આગ્રહ કર્યો હતો.
કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સંસદસભ્યો, રાજ્યોના પાર્ટીના અધ્યક્ષો સહિતનાઓએ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ જ પાર્ટીને આગળ ધપાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
પાર્ટીએ અધ્યક્ષ અંગે નિર્ણય લેવા સિનિયર નેતાઓની પાંચ કમિટીઓ બનાવીને સાંજ સુધીમાં ચર્ચા-વિચારણા કરીને અહેવાલ આપવાનું ઠેરવ્યું હતું. સાંજે ફરીથી વર્કિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં પાંચેય કમિટીના અહેવાલો રાખવામાં આવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer