માટુંગાની કચ્છી જૈન ગૃહિણીની આત્મહત્યાથી સમાજમાં અરેરાટી

માટુંગાની કચ્છી જૈન ગૃહિણીની આત્મહત્યાથી સમાજમાં અરેરાટી
કરજના બદલામાં બળજબરી ફ્લૅટ લખાવી લીધાનું કારણ?

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : માટુંગા (સેન્ટ્રલ)માં ડૉ. આંબેડકર રોડ પર આવેલી સિધ્ધાંચલ બિલ્ડિંગમાં રહેતા મુકેશ રતનશી લાપસિયા (કોડાય)નાં પત્ની માધુરીબેને (56) શનિવારે સવારે પંખામાં લટકીને જીવાદોરી ટૂંકાવી હતી. આ ઘટનાના સમાચાર ફેલાતાં કચ્છી વીસા ઓસવાળ સમાજમાં આઘાતની લાગણી વ્યાપી હતી. વધુ દુ:ખદ વાત એ છે કે, એક મહિનાના ગાળામાં માટુંગામાં સમાજની આપઘાતની આ ત્રીજી ઘટના બની છે.
લાપસિયા પરિવાર સિધ્ધાંચલ બિલ્ડિંગમાં છઠ્ઠા માળના ફ્લૅટમાં રહે છે. પરિવાર પર સામાન્ય કરજ હતું. જે નાણાં મિત્રો-પરિચિતો પાસેથી લીધા હતા. કરજના બદલામાં બળજબરીથી ફ્લૅટ લખાવી લેવાયો હતો. આ બાબતથી માધુરીબેન વિરુદ્ધ હતાં. તેમણે છ મહિના અગાઉ પણ ઝેર પી લીધું હતું, પણ વેળાસર સારવાર મળી જતાં જીવ બચી ગયો હતો. એ પછી માધુરીબેનના આ શબ્દો હતા કે હું આ ફ્લૅટ ખાલી નહિ કરું, મારી લાશ નીકળશે.
મુકેશભાઈ લાપસિયાનું ભીવંડીમાં પ્રિટિંગ પ્રેસ છે. તેમને એક પુત્ર અંકિત અને પુત્રી નિધિ છે. પુત્ર પરિણીત છે અને પિતા સાથે ધંધામાં સાથે કામ કરે છે. તેમનો ફ્લૅટ સિધ્ધાંચલ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે છે જે લેણદારોને લખી આપ્યો છે ત્યાંથી આ જ બિલ્ડિંગમાં પોતાના ભાઈ મહેશના 11મા માળે આવેલા ફ્લૅટમાં સિફ્ટ થવાના હતા જે ફ્લેટ હાલમાં ખાલી છે. પોતાનો ફ્લૅટ બે  દિવસમાં ખાલી કરવાના હતા.
બનાવની આગલી રાતે પરિવારજનો ભેગા થયા હતા. ત્રણ વાગ્યા સુધી સાથે બેઠા હતા. માધુરીબેનને બધાએ હિંમત આપી હતી. એવું કહેવાય છે કે માધુરીબેન ફ્લૅટ ખાલી કરવા તૈયાર નહોતાં, પણ બધાની વચ્ચે તેમણે સંમતિ આપી દીધી હતી.
શનિવારે સવારે સવા છ વાગ્યા આસપાસ વૉચમૅન ગાડીની ચાવી લેવા ગયો હતો. ગાડીની સફાઈ કરવાની હતી. વૉચમૅનને માધુરીબેને જ ચાવી આપી હતી. એ પછી તેમણે 11મા માળના ખાલી ફ્લૅટમાં પંખામાં લટકીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.
મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સાયન હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જે વિધિ પત્યા પછી આજે બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ મૃતદેહને પરિવારજનોને સુપરત કરાયો હતો. માટુંગામાં એક મહિનામાં કવીઓ સમાજમાં આત્મહત્યાની ત્રીજી ઘટના બની. આ પહેલાં બીલ્ડર મુકેશ સાવલા (રાયણ) અને સ્પોર્ટ્સમૅન હિતેન દેઢિયા (ગઢશીશા)એ આત્મહત્યા કરી હતી. આ ત્રણેય ઘટનાઓ પાછળ આર્થિક બોજ કારણરૂપ છે. સમાજ માટે આમાંથી શીખ લેવી જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer